<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

ડોનાલ્ડ ટ્રમ્પનો ડેમોક્રેટ્સ પર અત્યાર સુધીનો સૌથી ક્રૂર પ્રહાર: વિપક્ષી નેતાઓને ટાર્ગેટ કરવા શોધ્યું નવું વિવાદાસ્પદ ઉપનામ, અમેરિકી રાજકારણમાં ભૂકંપ

ફોક્સ ન્યૂઝના લાઈવ ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે ખોલ્યું રહસ્ય; કહ્યું— 'હાઉસ માઇનોરિટી લીડરના ઓછા આઈક્યુ (IQ) ને જોઈને મને મળ્યું આ નવું નામ', વ્હાઇટ હાઉસથી લઈને કેપિટોલ હિલ સુધી હંગામો

 

વોશિંગ્ટન, તા.૧૮: પોતાના વિરોધીઓ પર તીખા પ્રહારો કરવા અને તેમને અજીબોગરીબ ઉપનામો આપવા માટે જાણીતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટી પર હવે અત્યાર સુધીનો સૌથી આકરો અને ક્રૂર કટાક્ષ કર્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ડેમોક્રેટ્સ માટે એક તદ્દન નવું અને વિવાદાસ્પદ ઉપનામ જાહેર કરીને અમેરિકાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. આ સાથે જ તેમણે લાઈવ ઈન્ટરવ્યુમાં એ વાતનો પણ પર્દાફાશ કર્યો છે કે કોંગ્રેસના કયા વરિષ્ઠ સભ્યની હરકતોથી પ્રેરિત થઈને તેમણે આ નામ રાખ્યું છે.

ગુરુવારે મોડી રાત્રે ફોક્સ ન્યૂઝના પ્રખ્યાત એન્કર સીન હેનિટીને આપેલી એક ખાસ મુલાકાતમાં ટ્રમ્પે આ રહસ્ય ખોલ્યું હતું. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની તેમની ઐતિહાસિક મુલાકાત અંગે ચર્ચા કરતી વખતે ટ્રમ્પે અચાનક હસતાં હસતાં કહ્યું, "હું વિપક્ષ માટે એક નવું નામ લઈને આવ્યો છું. મને ખબર નથી કે મારે જાહેરમાં તે બોલવું જોઈએ કે નહીં, પરંતુ તે નામ છે— 'ડ્યુમોક્રેટ્સ' (Dumocrats)— કારણ કે તેઓ સાચે જ મૂર્ખ (Dumb) છે." ટ્રમ્પે હસતા હસતા સ્પષ્ટ કર્યું કે તેમના આ નવા વર્ઝનમાં ડેમોક્રેટ્સના સ્પેલિંગમાંથી 'b' અક્ષર ગાયબ થઈ જાય છે.

ઓછા આઈક્યુ (IQ) વાળા નેતાએ આપ્યું ઇન્સ્પિરેશન!

રાષ્ટ્રપતિ ટ્રમ્પે આગળ ખુલાસો કર્યો કે તેઓ આ નવું નામ હવામાંથી નથી લાવ્યા. તેઓ હાઉસ માઇનોરિટી લીડર હકીમ જેફ્રીસ (D-NY) ની રાજનીતિ પર ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે જ તેમના મગજમાં આ વિચાર આવ્યો હતો. ટ્રમ્પે હકીમ જેફ્રીસ પર સીધો પ્રહાર કરતા તેમને "ખૂબ જ ઓછા આઈક્યુ (IQ) વાળો માણસ" ગણાવ્યા હતા.

ટ્રમ્પે ઈન્ટરવ્યુમાં મજાક ઉડાવતા કહ્યું, "તે એકદમ મૂર્ખ વ્યક્તિ છે, અને તે પાછો ડેમોક્રેટ છે. બસ, તેને જોતા જ મેં મારી જાતને કહ્યું, 'ઓહ, આખી પાર્ટીને વ્યાખ્યાયિત કરવા માટે આનાથી વધુ સરસ નામ બીજું કયું હોઈ શકે!'"

હત્યાના પ્રયાસ અને હિંસા ભડકાવવાના ગંભીર આક્ષેપો

ટ્રમ્પ અને હકીમ જેફ્રીસ વચ્ચેનો આ વિવાદ નવો નથી. ગયા અઠવાડિયે યોજાયેલા વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનર (White House Correspondents' Dinner) દરમિયાન ટ્રમ્પે જેફ્રીસ પર અત્યંત ગંભીર આરોપો લગાવ્યા હતા. ટ્રમ્પે દાવો કર્યો હતો કે જેફ્રીસે જ તેમની વિરુદ્ધ તાજેતરમાં થયેલા જીવલેણ હુમલા અને હત્યાના પ્રયાસને ઉશ્કેર્યો હતો, અને તેમની સામે કાનૂની કાર્યવાહી થવી જોઈએ.

પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર ગુસ્સો ઠાલવતા ટ્રમ્પે અગાઉ લખ્યું હતું કે, "આ પાગલ, હકીમ 'લો આઈક્યુ' જેફ્રીસ પર દેશમાં હિંસા ભડકાવવાનો ગુનો નોંધીને તુરંત જ કેસ ચલાવવો જોઈએ!"

ઓવલ ઓફિસમાં ડૉ. ઓઝ પણ હસી પડ્યા

રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ અઠવાડિયાની શરૂઆતમાં વ્હાઇટ હાઉસની પ્રતિષ્ઠિત ઓવલ ઓફિસમાં સત્તાવાર બેઠક દરમિયાન પણ આ નવો ટેગ વાપર્યો હતો. સરહદી દિવાલ (Border Wall) ના મુદ્દે ડેમોક્રેટ્સની બેવડી નીતિ પર કટાક્ષ કરતા રાષ્ટ્રપતિએ મજાકમાં કહ્યું હતું કે, જો હું અચાનક એમ કહી દઉં કે દિવાલ નથી બનાવવી, તો આ ડેમોક્રેટ્સ મારો વિરોધ કરવા માટે પણ સરહદી દિવાલને સપોર્ટ કરવા લાગશે!

ટ્રમ્પની આ રસપ્રદ અને કટાક્ષભરી વાત સાંભળીને ત્યાં હાજર સેન્ટર્સ ફોર મેડિકેર એન્ડ મેડિકેડ સર્વિસીસના એડમિનિસ્ટ્રેટર ડૉ. મેહમેટ ઓઝ (Dr. Oz) પણ પોતાનું હસવું રોકી શક્યા નહોતા. ટ્રમ્પના આ નવા પ્રહાર બાદ અમેરિકી મીડિયા અને રાજકીય વર્તુળોમાં ડેમોક્રેટ્સ તરફથી વળતા પ્રહારની રાહ જોવાઈ રહી છે.

(4:17 PM IST)