News of Wednesday, 17th June 2026
G7 સમિટમાં ડોનાલ્ડ ટ્રમ્પનો સ્વેગ: વિશ્વ નેતાઓ વચ્ચે પહોંચીને કહ્યું, "હું બોસ છું" : અમેરિકી પ્રમુખની મજાક પર ખડખડાટ હસી પડ્યા વૈશ્વિક લીડર્સ
આંતરરાષ્ટ્રીય મંચ પર ટ્રમ્પની આગવી શૈલીથી હળવાશનો માહોલ : સમિટના અંતિમ દિવસે પીએમ નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે યોજાનારી દ્વિપક્ષીય બેઠક પર સમગ્ર વિશ્વની નજર

ફ્રાન્સના સુંદર શહેર એવિયનમાં આયોજિત હાઈ-પ્રોફાઈલ G7 સમિટમાંથી એક અત્યંત રસપ્રદ અને રમૂજી રાજકીય ક્ષણ સામે આવી છે, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. સમિટમાં વિશ્વના શક્તિશાળી નેતાઓના મેળાવડા વચ્ચે પહોંચતા જ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પરંપરાગત આત્મવિશ્વાસ અને આગવી શૈલીમાં હસતા હસતા કહી દીધું, "આઈ એમ ધ બોસ" (હું બોસ છું). ટ્રમ્પના આ વિસ્ફોટક અને રમૂજી અંદાજને સાંભળીને ત્યાં હાજર તમામ દેશોના વડાઓ ખડખડાટ હસી પડ્યા હતા. આ દરમિયાન સમિટના યજમાન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને જ્યારે હસીને ટ્રમ્પને પૂછ્યું કે, "તમે કેમ છો?", ત્યારે ટ્રમ્પે પણ ખૂબ જ નમ્રતાથી જવાબ આપ્યો, "બસ એકદમ મજામાં, આભાર." કેમેરામાં કેદ થયેલી નેતાઓની આ ટૂંકી અને રસપ્રદ વાતચીત ડિજિટલ પ્લેટફોર્મ પર જોરદાર વાયરલ થઈ રહી છે, જેને લોકો ટ્રમ્પના અદભુત સ્વેગ તરીકે જોઈ રહ્યા છે.
આ હળવાશભરી પળો વચ્ચે G7 સમિટના અંતિમ દિવસે ભારત અને અમેરિકા વચ્ચે યોજાનારી હાઈ-વોલ્ટેજ દ્વિપક્ષીય બેઠકે પણ વૈશ્વિક રાજનીતિમાં ભારે ઉત્તેજના જગાવી છે. ફેબ્રુઆરી મહિના પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આ પ્રથમ સત્તાવાર સામસામે મુલાકાત થવા જઈ રહી છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા કુશ દેસાઈના જણાવ્યા અનુસાર, આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં બંને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધો, રોકાણ, આધુનિક ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ગ્લોબલ સપ્લાય ચેઇન અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા જેવા સંવેદનશીલ અને વ્યૂહાત્મક મુદ્દાઓ પર ટેબલ ટોક થશે. અમેરિકી વહીવટીતંત્રે સ્પષ્ટ કર્યું છે કે પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચેના મજબૂત વ્યક્તિગત સંબંધો ભારત-અમેરિકાની ભાગીદારીને એક અપ્રતિમ અને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સક્ષમ છે, જેનો પાયો માર્કો રુબિયોની તાજેતરની ભારત મુલાકાત દરમિયાન જ નંખાઈ ચૂક્યો હતો.
સમિટના ખાસ સત્ર "નવી ભાગીદારી બનાવવી અને આંતરરાષ્ટ્રીય એકતાને પુનર્જીવિત કરવી" દરમિયાન પણ પીએમ મોદી અને ટ્રમ્પે એકબીજાને ઉષ્માભેર શુભેચ્છા પાઠવીને ટૂંકી ચર્ચા કરી હતી. આ મહત્વપૂર્ણ સેશનમાં જી-૭ ના સભ્ય દેશો ઉપરાંત વિશ્વ બેંક, આફ્રિકન વિકાસ બેંક અને અન્ય આમંત્રિત લોકશાહી દેશોના પ્રતિનિધિઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વૈશ્વિક પડકારો અને આર્થિક મંદીના આ સમયમાં ભારત અને અમેરિકાના ટોચના નેતાઓ વચ્ચેની આ મુલાકાત માત્ર કોઈ રાજકીય સંદેશ આપવા પૂરતી સીમિત નથી, પરંતુ સંરક્ષણ અને વ્યાપારિક સહયોગના મોરચે તેના ખૂબ જ નક્કર અને દૂરગામી પરિણામો જોવા મળશે તેવી આશા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
(10:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
