<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

"અમને આદેશ આપવા મજબૂર ન કરો...": મણિપુરના રાહત શિબિરોમાં થયેલા ૨૫ શંકાસ્પદ મૃત્યુ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, રાજ્ય સરકારની આકરી ઝાટકણી

રાહત શિબિરોમાં અકુદરતી મૃત્યુ અને જાતીય સતામણી અંગે સર્વોચ્ચ અદાલતે વ્યક્ત કરી ગંભીર ચિંતા; તમામ શંકાસ્પદ કેસોમાં તુરંત એફઆઈઆર દાખલ કરવા અને વિગતવાર અહેવાલ રજૂ કરવા આદેશ

નવી દિલ્હી, તા.૧૭: મણિપુરના રાહત શિબિરોમાં વિસ્થાપિતોની સ્થિતિ અને ત્યાં નોંધાયેલા કથિત અકુદરતી મૃત્યુ તેમજ જાતીય હુમલાના કેસો અંગે સુપ્રીમ કોર્ટે અત્યંત કડક વલણ અપનાવી રાજ્ય સરકારની આકરી ઝાટકણી કાઢી છે. જસ્ટિસ ગીતા મિત્તલ કમિટીના રિપોર્ટને ટાંકીને સર્વોચ્ચ અદાલતે વિસ્થાપિત લોકોની સુરેક્ષા અને ગૌરવ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે મણિપુર સરકારને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું હતું કે, "તમારા મુખ્ય સચિવને કહી દો કે કોર્ટને આકરા આદેશો આપવા માટે મજબૂર ન કરે. અમને જણાવો કે તમે અત્યાર સુધી શું નક્કર પગલાં લીધાં છે."

કોર્ટે રાહત શિબિરોમાં નોંધાયેલા ૨૫ શંકાસ્પદ અને અકુદરતી મૃત્યુ અંગે રાજ્ય સરકાર પાસે તમામ વિગતો, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને મૃત્યુના કારણો દર્શાવતા દસ્તાવેજો તાત્કાલિક અસરથી રજૂ કરવા આદેશ આપ્યો છે. અદાલતના ધ્યાને આવ્યું હતું કે જુદા જુદા આઠ જિલ્લાના શિબિરોમાં ૬૪૦ જેટલા મૃત્યુ નોંધાયા હતા, જેમાંથી માત્ર ૨૦ કેસોમાં જ પોસ્ટમોર્ટમ કરાયા હતા અને નામમાત્રનું વળતર ચૂકવી દેવાયું હતું. સુપ્રીમ કોર્ટે મણિપુર કાનૂની સેવા સત્તામંડળને નિર્દેશ આપ્યો છે કે તમામ શંકાસ્પદ મૃત્યુ સંબંધિત કેસોમાં તુરંત એફઆઈઆર (FIR) નોંધવામાં આવે અને તેની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે.

આ સુનાવણી દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ કોર્ટને માહિતી આપી હતી કે આઠ જિલ્લાઓમાં ૪૨ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) બનાવવામાં આવી છે અને ૩,૦૨૦ કેસોની તપાસ ચાલી રહી છે, જેમાંથી ૩૦૨ કેસોમાં ચાર્જશીટ રજૂ કરાઈ છે. ગુવાહાટી ખાતે સીબીઆઈ (CBI)ના કેસોની સુનાવણી માટે વિશેષ કોર્ટની સ્થાપના અને ઝડપી ટ્રાયલ ચલાવવા અંગે પણ કોર્ટે કેન્દ્ર સરકાર અને હાઈકોર્ટને જરૂરી ત્વરિત પગલાં ભરવા સૂચના આપી છે.

(4:48 PM IST)