હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચોમાસાની મજા ક્યાંક સજા ન બની જાય! વરસાદમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા અને પેટની બીમારીઓથી બચવા ન્યુટ્રિશનિસ્ટે આપી ખાસ 'ડાયેટ ટિપ્સ'
ભેજ અને પ્રદૂષિત પાણીના કારણે બેક્ટેરિયા-વાયરસનો કહેર, કાચા શાકભાજી અને સ્ટ્રીટ ફૂડથી અંતર રાખવા સલાહ; દહીં-છાશ અને રોગપ્રતિકારક શક્તિ વધારતા ઘરના ખોરાક પર આપ્યો ભાર

રાજકોટ : આકરા ઉનાળાના અસહ્ય તાપ અને બફારા બાદ ચોમાસાનો વરસાદ ભલે મનને પ્રફુલ્લિત કરી દેતો હોય, પરંતુ આ ઋતુ પોતાની સાથે સ્વાસ્થ્યના અનેક જોખમો પણ લઈને આવે છે. વરસાદની શરૂઆત થતાં જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે છે, પાણી પ્રદૂષિત થાય છે અને બેક્ટેરિયા, વાયરસ તથા ફૂગ (ફંગસ) ખૂબ જ ઝડપથી ફેલાવા લાગે છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ના આંકડા અનુસાર, દૂષિત ખોરાક દુનિયાભરમાં દર વર્ષે આશરે ૬૦ કરોડ લોકોને બીમાર કરે છે અને ૪.૨ લાખ લોકોના મોતનું કારણ બને છે. ભારતમાં પણ આ દિવસોમાં હોસ્પિટલોમાં ઝાડા-ઊલ્ટી, ગેસ્ટ્રોએન્ટેરિટિસ, ટાઇફોઇડ અને કમળો (હેપેટાઇટિસ A) ના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળે છે.
ચોમાસામાં પાચનતંત્ર કેમ નબળું પડે છે?
"ચોમાસા દરમિયાન માત્ર પૌષ્ટિક ખોરાક ખાવો પૂરતો નથી, પરંતુ તે ખોરાક કેટલો તાજો, સ્વચ્છ અને સુરક્ષિત છે તે જોવું વધુ મહત્વનું છે," તેમ ફરીદાબાદની અમૃતા હોસ્પિટલના ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ કોમલ ભાટી જણાવે છે. ગરમ અને ભેજવાળા વાતાવરણને કારણે રાંધેલો ખોરાક બહુ ઝડપથી બગડી જાય છે. આ દિવસોમાં આપણી પાચનશક્તિ કુદરતી રીતે જ થોડી ધીમી અને સંવેદનશીલ બની જતી હોવાથી ચેપ લાગવાનું જોખમ બમણું થઈ જાય છે.
આ ઋતુમાં ભૂલથી પણ ન ખાશો આ વસ્તુઓ (Avoid List)
બહારનો ચટાકેદાર ખોરાક તમને હોસ્પિટલના બિછાને પહોંચાડી શકે છે. તેથી ન્યુટ્રિશનિસ્ટે નીચેની વસ્તુઓથી દુર રહેવા કડક સૂચના આપી છે:
• સ્ટ્રીટ ફૂડ અને ખુલ્લો ખોરાક: પાણીપૂરી (ગોલગપ્પા), ખુલ્લામાં વેચાતા કાપેલા ફળો, સેન્ડવીચ, કાચા સલાડ અને રોડસાઇડ મળતી ચટણીઓ બેક્ટેરિયાના મુખ્ય ઘર છે.
• કાચા પાંદડાવાળા શાકભાજી: પાલક, મેથી, કોબીજ અને લેટીસ સ્વાસ્થ્ય માટે સારા છે, પરંતુ ચોમાસામાં તેના પાંદડાની વચ્ચે ઝીણા જંતુઓ, પરોપજીવી જીવાત અને જંતુનાશકો ભરાયેલા રહે છે. તેથી તેને કાચા ખાવાને બદલે બરાબર ધોઈને, રાંધીને જ ખાવા જોઈએ.
• સીફૂડ અને કાચું માંસ: માછલી, સીફૂડ, કાચા ઇંડા અને અધકચરૂં રાંધેલું માંસ ખૂબ જ ઝડપથી બગડે છે, જેમાં સૅલ્મોનેલા અને ઇ-કોલાઇ જેવા ઘાતક બેક્ટેરિયા પેદા થાય છે.
વરસાદમાં તમારી પ્લેટ કેવી હોવી જોઈએ? (Healthy Options)
ડૉ. ભાટીના જણાવ્યા અનુસાર, આ ઋતુમાં ઘરનો તાજો, ગરમાગરમ અને પચવામાં હળવો ખોરાક જ શ્રેષ્ઠ છે. ચોમાસાના આહારમાં નીચેની વસ્તુઓ અચૂક સામેલ કરો:
• હળવો ખોરાક: દાળ-ભાત, ખીચડી, ગરમ વેજિટેબલ સૂપ, ઘઉંની રોટલી અને સરસ રીતે રાંધેલા મોસમી શાકભાજી પાચનતંત્રને આરામ આપે છે.
• લીન પ્રોટોન: સ્નાયુઓ અને રોગપ્રતિકારક શક્તિ (Immunity) મજબૂત કરવા માટે કઠોળ, પનીર, ઇંડા અથવા સારી રીતે રાંધેલું ચિકન ખાવું જોઈએ.
• રક્ષણાત્મક છાલવાળા ફળો: કેળા, નારંગી, મોસંબી, નાસપતી અને દાડમ જેવા ફળો વધુ સુરક્ષિત છે કારણ કે તેની ઉપર કુદરતી જાડી છાલ હોય છે, જે અંદરના ભાગને બેક્ટેરિયાથી બચાવે છે.
આંતરડાના સ્વાસ્થ્ય અને હાઇડ્રેશન માટે: ઘરમાં સ્વચ્છતાપૂર્વક બનાવેલું તાજું દહીં કે છાશ પ્રોબાયોટિક્સથી ભરપૂર હોય છે, જે પેટના ગુડ બેક્ટેરિયાને વધારે છે. વાતાવરણ ઠંડું હોવા છતાં શરીરમાં પાણીની કમી ન થવા દો. હંમેશા ઉકાળેલું અથવા ફિલ્ટર કરેલું શુદ્ધ પાણી જ પીવો. તમે ઘરે બનાવેલા સૂપ, લીંબુ પાણી અથવા નાળિયેર પાણીનો પણ ઉપયોગ કરી શકો છો.
ન્યુટ્રિશનિસ્ટ કોમલ ભાટી છેલ્લે ઉમેરે છે કે, રોગપ્રતિકારક શક્તિ કોઈ એકાદ સુપરફૂડ કે સપ્લિમેન્ટ ખાવાથી રાતોરાત નથી બદલાતી, પરંતુ તે રોજિંદી ખાવા-પીવાની સારી આદતોથી બને છે. સારો આહાર અને ખોરાકની સ્વચ્છતા જ તમને ચોમાસાની બીમારીઓથી બચાવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
