<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

મુસાફરી દરમિયાન ટ્રેન છૂટી જાય તો ગભરાશો નહીં: જાણો કન્ફર્મ, RAC અને કનેક્ટિંગ ટિકિટ પર રિફંડ મેળવવાના ભારતીય રેલવેના મહત્ત્વના નિયમો!

પોતાની ભૂલથી ટ્રેન ચૂકી જવા પર TDR ફાઇલ કરવાની સમયમર્યાદાથી લઈને ટ્રેન 3 કલાક મોડી હોય તો મળતા પૂરેપૂરા રિફંડ અંગેની સંપૂર્ણ વિગતો

નવી દિલ્હી : દરરોજ લાખો મુસાફરો ભારતીય રેલવે દ્વારા દેશના એક ખૂણેથી બીજા ખૂણે પ્રવાસ કરતા હોય છે. જોકે, ઘણીવાર ભારે ટ્રાફિક, ઉતાવળ કે અન્ય અંગત કારણોસર સ્ટેશન પર પહોંચવામાં મોડું થતાં ટ્રેન છૂટી જતી હોય છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે કન્ફર્મ કે RAC ટિકિટના નાણાં પાછા મળશે કે નહીં? ભારતીય રેલવેના નિયમો અનુસાર યોગ્ય સમયે પગલાં લેવામાં આવે તો નાણાકીય નુકસાનથી બચી શકાય છે.

 

ભારતીય રેલવેના નિયમો મુજબ જો મુસાફર પોતાની ભૂલથી સ્ટેશન પર મોડો પહોંચે અને કન્ફર્મ ટિકિટ હોય તેવી ટ્રેન ચૂકી જાય, તો સામાન્ય સંજોગોમાં ભાડું પરત મળતું નથી. જો ટ્રેનના નિર્ધારિત રવાના સમયના ચાર કલાક પહેલાં સુધી ટિકિટ કેન્સલ કરવામાં ન આવે અથવા ઓનલાઈન TDR (Ticket Deposit Receipt) ફાઇલ ન કરાઈ હોય, તો રિફંડની પાત્રતા રદ થાય છે. RAC ટિકિટધારકો માટે ટ્રેન ઉપડવાના ઓછામાં ઓછા ૩૦ મિનિટ પહેલાં ટિકિટ રદ કરવી અથવા TDR ફાઇલ કરવું ફરજિયાત છે.

 

જોકે, રેલવેની ભૂલ અથવા વિલંબના કિસ્સામાં મુસાફરોને રાહત મળે છે. જો તમારા બોર્ડિંગ સ્ટેશન પર ટ્રેન તેના નિર્ધારિત સમય કરતાં ૩ કલાક કે તેથી વધુ મોડી પડે અને તમે મુસાફરી ન કરવાનો નિર્ણય લો, તો કોઈપણ કેન્સલેશન ચાર્જ કાપ્યા વિના પૂરેપૂરું રિફંડ આપવામાં આવે છે. આ માટે ટ્રેન રવાના થાય તે પહેલાં ઈ-ટિકિટ પર ઓનલાઈન TDR ફાઇલ કરવું જરૂરી છે.

 

આ ઉપરાંત, જો પહેલી ટ્રેન મોડી પડવાને કારણે આગળની કનેક્ટિંગ ટ્રેન છૂટી જાય, તો પણ રેલવેના નિયમો મુસાફરની વહારે આવે છે. શરત માત્ર એટલી છે કે પહેલી ટ્રેનમાં વિલંબ થયો હોવો જોઈએ અને બંને ટિકિટો લિંક થયેલી હોવી જોઈએ. નિયત સમયમર્યાદામાં TDR ફાઇલ કરવાથી મુસાફરીના બાકીના ભાગનું ભાડું પરત મેળવી શકાય છે.

(10:42 PM IST)