<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

ત્રણ ભાષા નીતિ લાગુ કરવામાં ઉતાવળ ન કરો: સુપ્રીમ કોર્ટે CBSE ને આપી મોટી સલાહ, ધોરણ ૬ ના કરોડો વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત!

અગ્રણી શૈક્ષણિક સત્ર ૨૦૨૭ થી આ નીતિ અમલમાં મૂકવા સર્વોચ્ચ અદાલતનું મહત્વનું સૂચન: બે સ્વદેશી ભારતીય ભાષાઓ ભણાવવાના નિર્ણય પર બોર્ડ પુનઃવિચાર કરવા તૈયાર

નવી દિલ્હી : દેશભરના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સુપ્રીમ કોર્ટ તરફથી એક અત્યંત રાહતજનક સમાચાર સામે આવ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ની નવી 'ત્રણ ભાષા નીતિ' (Three-Language Policy) પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે બોર્ડને આ નીતિ લાગુ કરવામાં બિલકુલ ઉતાવળ ન કરવાની કડક સલાહ આપી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જ્યોમલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનાની ખંડપીઠે CBSE ને આ નીતિ આગામી શૈક્ષણિક સત્ર એટલે કે ૨૦૨૭ થી ધોરણ ૬ ના વિદ્યાર્થીઓ માટે લાગુ કરવા પર વિચાર કરવા જણાવ્યું છે.

 

સુનાવણી દરમિયાન જસ્ટિસ બાગચીએ સ્પષ્ટ કર્યું હતું કે, વિદ્યાર્થીઓ પર અચાનક અભ્યાસનો બિનજરૂરી બોજ ન પડે તે માટે બોર્ડે આ નીતિને આગામી શૈક્ષણિક વર્ષ સુધી મુલતવી રાખવી જોઈએ. જોકે, જે વિદ્યાર્થીઓ ચાલુ વર્ષથી જ સ્વેચ્છાએ ત્રણ ભાષાઓનો અભ્યાસ કરવા માંગતા હોય તેમને તેમ કરવાની છૂટ આપવી જોઈએ. CBSE તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ કોર્ટને ખાતરી આપી હતી કે બોર્ડ આ સંવેદનશીલ સૂચન પર ગંભીરતાથી વિચારણા કરશે અને ટૂંક સમયમાં નવી નોંધ સાથે કોર્ટ સમક્ષ રજૂ થશે.

 

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) અને નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક (NCF-2023) ને અનુરૂપ બનાવવા માટે CBSE એ ધોરણ ૬ થી ૯ ના વિદ્યાર્થીઓ માટે ત્રણ ભાષાઓ ફરજિયાત કરી હતી, જેમાં ઓછામાં ઓછી બે મૂળ ભારતીય ભાષાઓ (જેમ કે હિન્દી, ગુજરાતી, સંસ્કૃત, તમિલ વગેરે) શીખવી અનિવાર્ય બનાવવામાં આવી હતી. વિદેશી ભાષાઓને ત્રીજી કે ચોથી ભાષા તરીકે વિકલ્પ આપવાની જોગવાઈ હતી. સુપ્રીમ કોર્ટના આ મધ્યસ્થીભર્યા વલણથી હાલમાં ભણી રહેલા વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસક્રમ સાથે અનુકૂલન સાધવા માટે પૂરતો સમય મળી રહેશે.

 

(7:11 PM IST)