તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 1st May 2026
મોંઘવારીનો ડબલ ડોઝ: કોમર્શિયલ ગેસ બાદ હવે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકાની તૈયારી? ક્રૂડ ઓઇલ $100 ને પાર
રસોડાથી રસ્તા સુધી ખર્ચ વધશે: આંતરરાષ્ટ્રીય બજારમાં ઉથલપાથલ અને અમેરિકા-ઈરાન તણાવની સીધી અસર ભારતીય ગ્રાહકો પર : તેલ કંપનીઓ પર વધતું દબાણ અને 1 મેથી LPG ના ભાવમાં થયેલા તોતિંગ વધારાથી સામાન્ય જનતાના બજેટ ખોરવાવાની પૂરેપૂરી શક્યતા.

નવી દિલ્હી: દેશમાં ફરી એકવાર મોંઘવારીનો પંજો કસાતો દેખાઈ રહ્યો છે. ૧ મે ૨૦૨૬થી કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં થયેલા જંગી વધારાએ વેપારીઓ અને સામાન્ય જનતાની ઊંઘ ઉડાવી દીધી છે. દિલ્હીમાં ૧૯ કિલોના સિલિન્ડરની કિંમત હવે ₹૩,૦૭૧.૫૦ સુધી પહોંચી ગઈ છે, જેની સીધી અસર હોટલ અને રેસ્ટોરન્ટના જમવાના બિલ પર પડશે. પરંતુ ચિંતાનો અસલી વિષય એ છે કે શું હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધશે? આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $૧૦૦ને વટાવી ગયા હોવાથી ભારતીય તેલ કંપનીઓ પર ભાવ વધારવાનું દબાણ ચરમસીમાએ છે.
વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચેના વધતા તણાવે તેલના બજારમાં અરાજકતા સર્જી છે. જોકે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ આશ્વાસન આપ્યું છે કે ભારત સરકારે હજુ સુધી પનિક બટન દબાવ્યું નથી અને ઇંધણનો પુરવઠો સતત જળવાઈ રહ્યો છે. તેમ છતાં, નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જો ક્રૂડ ઓઇલ લાંબા સમય સુધી આ ઊંચા સ્તરે રહેશે, તો સરકાર માટે લાંબા સમય સુધી ભાવને અંકુશમાં રાખવા મુશ્કેલ બનશે. ઘણી વિદેશી બજારોમાં ઇંધણના ભાવમાં પહેલેથી જ વધારો થઈ ચૂક્યો છે, જે ભારતમાં પણ ભાવ વધારાના સંકેતો આપી રહ્યા છે.
જો આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘા થશે, તો તેની અસર માત્ર વાહન ચાલકો પૂરતી મર્યાદિત નહીં રહે. પરિવહન ખર્ચ વધવાને કારણે શાકભાજી, ફળો અને દૂધ જેવી પાયાની જરૂરિયાતોના ભાવમાં પણ વધારો જોવા મળશે. તેલ કંપનીઓના વધી રહેલા નાણાકીય નુકસાનને જોતા, સરકાર ટૂંક સમયમાં કિંમતોમાં સુધારા અંગે કોઈ કડક નિર્ણય લઈ શકે છે. હાલમાં જનતામાં એક જ સવાલ ગુંજી રહ્યો છે કે, "શું આ વખતે મોંઘવારી તમામ રેકોર્ડ તોડી નાખશે?"
(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
