તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
ભારતમાં મોંઘવારીનો ડબલ ડોઝ: ઓગસ્ટમાં જથ્થાબંધ ફુગાવો ઉછળીને 9.92 ટકાના ઊંચા સ્તરે, ગૃહિણીઓ અને ઉદ્યોગોનું બજેટ ખોરવાયું
ખાદ્યચીજો, ઈંધણ અને પ્રોડક્શન કોસ્ટ મોંઘા થતાં ફુગાવામાં વધારો; મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં મોંઘવારીએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડ્યા

નવી દિલ્હી, તા.14: દેશમાં સામાન્ય જનતાથી લઈને વેપારીઓ માટે મોંઘવારીના મોરચે માઠા સમાચાર આવ્યા છે. ઓગસ્ટ મહિનામાં જથ્થાબંધ મોંઘવારી એટલે કે હોલસેલ પ્રાઈઝ ઈન્ડેક્સ (WPI) આધારિત ફુગાવામાં તીવ્ર ઉછાળો નોંધાયો છે. સોમવારે (14 સપ્ટેમ્બર) સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા અનુસાર, ઓગસ્ટ 2026માં જથ્થાબંધ મોંઘવારી દર વધીને 9.92 ટકા પર પહોંચી ગયો છે, જે જુલાઈ મહિનામાં 9.78 ટકા હતો. આમ, માત્ર એક જ મહિનામાં જથ્થાબંધ ફુગાવામાં 0.14 ટકાનો વધારો નોંધાતાં આર્થિક મોરચે ચિંતા ઘેરી બની છે.
આ વધારા પાછળ મુખ્યત્વે રસોડાનું બજેટ બગાડતી ખાદ્ય સામગ્રી, મેન્યુફેક્ચરિંગ આઈટમ્સ, કેમિકલ્સ અને બેઝિક મેટલ્સના ભાવમાં થયેલો વધારો જવાબદાર છે. ઓગસ્ટમાં ફૂડ ઈન્ડેક્સ પર આધારિત મોંઘવારી વધીને 7.05 ટકા થઈ ગઈ છે, જે જુલાઈમાં 6.65 ટકા હતી. જથ્થાબંધ બજારમાં અનાજ, શાકભાજી અને અન્ય ખાવા-પીવાની ચીજો મોંઘી થવાના કારણે આગામી દિવસોમાં છૂટક (રિટેલ) બજારમાં પણ ભાવ વધારાની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર જોવા મળશે.
બીજી તરફ, દેશના મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર પણ મોંઘવારીની ગંભીર અસર પડી છે. ઓગસ્ટ મહિનામાં મેન્યુફેક્ચરિંગ કેટેગરીમાં જથ્થાબંધ ફુગાવો વધીને 8.37 ટકાના વિક્રમજનક સ્તરે પહોંચી ગયો છે, જે જુલાઈમાં 8.29 ટકા હતો. વર્તમાન શ્રેણી (Series)માં મેન્યુફેક્ચરિંગ ફુગાવાનો આ અત્યાર સુધીનો સૌથી ઊંચો આંકડો છે. પ્રોડક્શન ખર્ચમાં થયેલા આ વધારાને કારણે દેશની અસંખ્ય ઉત્પાદક કંપનીઓના ઉત્પાદન ખર્ચ (Cost of Production)માં મોટો ઉછાળો આવ્યો છે, જેની સીધી અસર કંપનીઓના પ્રોફિટ માર્જિન અને આખરે ગ્રાહકો સુધી પહોંચતા આખરી સામાનની કિંમતો પર પડી રહી છે.
(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
