<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

આતંકવાદ સામેની લડાઈમાં કોઈપણ દેશની બેધારી નીતિ હવે સ્વીકારાય :પાકિસ્તાનનું નામ લીધા વિના મોસ્કોમાં NSA અજીત ડોભાલનો પ્રહાર

અજીત ડોભાલે આ વૈશ્વિક મંચ પરથી દુનિયાને ભારતનો સ્પષ્ટ અને મજબૂત સંદેશ આપતા મુખ્ય ત્રણ મુદ્દાઓ પર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું

રશિયાની રાજધાની મોસ્કો ખાતે આયોજિત 'પહેલા ઇન્ટરનેશનલ સિક્યોરિટી ફોરમ' અને 'સુરક્ષા બાબતોના ઉચ્ચ અધિકારીઓની 14મી બેઠક'માં NSA અજીત ડોભાલ ભાગ લેવા પહોંચ્યા હતા. રશિયાના સુરક્ષા પરિષદના સચિવ સેર્ગેઈ શોઈગુની અધ્યક્ષતામાં યોજાયેલી આ મહત્વપૂર્ણ વૈશ્વિક બેઠકમાં બદલાતા વૈશ્વિક સમસ્યાઓ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષાના પડકારો પર ગંભીર ચર્ચા થઈ હતી. 

અજીત ડોભાલે આ વૈશ્વિક મંચ પરથી દુનિયાને ભારતનો સ્પષ્ટ અને મજબૂત સંદેશ આપતા મુખ્ય ત્રણ મુદ્દાઓ પર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું, જેણે વૈશ્વિક નેતાઓનું ધ્યાન ખેંચ્યું છે. NSA અજીત ડોભાલે પાકિસ્તાનનું નામ લીધા વિના આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સાફ શબ્દોમાં જણાવ્યું કે આતંકવાદ સામેની લડાઈમાં કોઈ પણ દેશની બેધારી નીતિ હવે સ્વીકારવામાં નહીં આવે. આતંકીઓને આશ્રય આપતા દેશોએ હવે નક્કી કરવું પડશે કે તેઓ આતંકવાદને નાબૂદ કરવા માંગે છે કે પછી તેને પાળનારાઓ સાથે ઊભા રહેવા માંગે છે.

ડોભાલે બીજા વિશ્વયુદ્ધ પછી બનેલા UN જેવી જૂની સંસ્થાઓના માળખામાં મોટા ફેરફારો કરવાની માંગ કરી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, આજની જટિલ વૈશ્વિક સમસ્યાઓનો સામનો કરવા માટે આ સંસ્થાઓ આઉટડેટેડ થઈ ચૂકી છે. હવે 'ગ્લોબલ સાઉથ' એટલે કે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના વિકાસશીલ દેશોને આ સંસ્થાઓમાં યોગ્ય પ્રતિનિધિત્વ અને મજબૂત અવાજ મળવો જ જોઈએ.

પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે છેલ્લા ત્રણ મહિનાથી હોર્મુઝની સામુદ્રધુની અને લાલ સમુદ્ર જેવા મહત્વના જળમાર્ગો પ્રભાવિત થયા છે, જેનાથી વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે અને તેલના ભાવ વધ્યા છે. અજીત ડોભાલે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે સમગ્ર વિશ્વના આર્થિક હિતો માટે આ દરિયાઈ રસ્તાઓ કોઈપણ અવરોધ વિના ખુલ્લા રહેવા ખુબ જ જરૂરી છે.

(9:28 PM IST)