<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

ભારતના હવામાનમાં બેવડી ઋતુ:ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યો ભીષણ ગરમીની ઝપેટમાં: પૂર્વોત્તર-દક્ષિણ ભારતમાં વરસાદી માહોલ

પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહારમાં ગાજવીજ સાથે તેજ પવન ફૂંકાવાની શક્યતા:ઝારખંડમાં કરા પડવાની પણ સંભાવના :કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા

નવી દિલ્હી : દેશના હવામાનમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એક તરફ ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યો ભીષણ લૂ અને ગરમીની ઝપેટમાં છે, તો બીજી તરફ પૂર્વોત્તર અને દક્ષિણ ભારતના ભાગોમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે. આગામી થોડા દિવસો સામાન્ય જનજીવન માટે પડકારજનક સાબિત થઈ શકે છે, તેથી હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખવી અનિવાર્ય છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 25 થી 28 એપ્રિલ દરમિયાન પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહારમાં ગાજવીજ સાથે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. ખાસ કરીને ઝારખંડમાં 26 એપ્રિલે કરા પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પૂર્વોત્તર ભારતની વાત કરીએ તો અસમ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં આ આખું અઠવાડિયું ભારેથી અતિભારે કમોસમી વરસાદ પડી શકે છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં સતર્ક રહેવા સૂચના અપાઈ છે.

બીજી તરફ, ગુજરાત સહિત ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં સૂર્યદેવ આકરા પાણીએ છે. ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં આગામી 3-4 દિવસ ભીષણ ગરમીની ચેતવણી આપવામાં આવી છે. આ વિસ્તારોમાં તાપમાનનો પારો 40થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. દિલ્હી-NCRમાં 27 એપ્રિલની આસપાસ હળવા વરસાદને કારણે ગરમીથી થોડી રાહત મળી શકે છે, પરંતુ ત્યાં સુધી લૂનો પ્રકોપ યથાવત રહેશે.

દક્ષિણ ભારતની સ્થિતિ જોઈએ તો મહારાષ્ટ્ર, તેલંગાણા અને કર્ણાટક ઉપર એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ સિસ્ટમને કારણે 27 એપ્રિલથી 2 મે દરમિયાન દક્ષિણના રાજ્યોમાં પ્રી-મોન્સૂન ગતિવિધિઓ તેજ બનશે. કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે. જોકે, મરાઠવાડા અને ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે, તેમ છતાં મોટાભાગના વિસ્તારોમાં ગરમીનું જોર યથાવત રહેશે. નાગરિકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને હાઇડ્રેટેડ રહેવાની સલાહ આપવામાં આવી છે.

(10:04 PM IST)