<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

રાજકોટના ડૉ. ધાર્મિક વસાણીને ભોપાલ એઈમ્સમાં MDમાં પ્રવેશ મળતાં તબીબી આલમમાં ખુશીનો માહોલ : અમેરિકાના ડૉ. રાજેશ પટેલ અને ડૉ. ઉષાબેન પટેલ સહિત સૌરાષ્ટ્રના વરિષ્ઠ ડૉક્ટરો દ્વારા અભિનંદનની વર્ષા

ત્રીજી પેઢીના ડૉક્ટરે એઈમ્સમાં કૅન્સર વિભાગ (Radiation Oncology)માં એડમિશન મેળવી લોહાણા સમાજ અને રાજકોટ જિલ્લાનું ગૌરવ વધાર્યું : દરિદ્ર નારાયણની સેવા કરવાનો સંકલ્પ

 રાજકોટ:  રાજકોટ જિલ્લાના નાના એવા અમરનગર ગામમાં પ્રાથમિક શિક્ષણ મેળવીને પોતાની પ્રતિભાના જોરે આગળ વધેલા ડૉ. ધાર્મિક વસાણીએ દેશની સર્વશ્રેષ્ઠ તબીબી સંસ્થાઓમાં સ્થાન ધરાવતી એઈમ્સ (AIIMS) ભોપાલ ખાતે એમડી (MD Radiation Oncology - કેન્સર વિભાગ)માં પ્રવેશ મેળવીને સમગ્ર સૌરાષ્ટ્ર અને લોહાણા સમાજનું ગૌરવ વધાર્યું છે. ડૉ. ધાર્મિક વસાણીને આ અભૂતપૂર્વ સફળતા મળવા બદલ અમેરિકાના ડૉ. રાજેશ પટેલ અને ડૉ. ઉષાબેન પટેલ સહિત સૌરાષ્ટ્રના અનેક પ્રતિષ્ઠિત તબીબો અને અગ્રણીઓએ ગૌરવની લાગણી વ્યક્ત કરી હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી છે.

 

અભિનંદન પાઠવનારાઓમાં જેતપુરના અગ્રણી તબીબ ડૉ. વાધવાણી, ડૉ. કિશોર લાખાણી, ડૉ. સખીયા, ગોંડલના ડૉ. ભટ્ટ, રજનીભાઇ જોબનપુત્રા તેમજ ગુજરાત આયુર્વેદિક કાઉન્સિલ બોર્ડના પ્રમુખ ડૉ. સંજયભાઈ જીવરાજાની, ડૉ. ભગવાનજીભાઈ ફળદુ, ડૉ. મુસ્તાક કાદરી અને ડૉ. ઉત્પલ જીવરાજાની સહિતના તબીબો સામેલ છે. આ તમામ વરિષ્ઠોએ તેમના પરમ મિત્ર અને ડૉ. ધાર્મિક વસાણીના પિતા ડૉ. યોગેશ વસાણીને પુત્રની આ સિદ્ધિ બદલ બિરદાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ડૉ. ધાર્મિક વસાણીએ રાજકોટની સરકારી પીડીયુ (PDU) મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ (MBBS)ની પદવી પ્રાપ્ત કરી છે.

 

ડૉ. ધાર્મિક વસાણી પરિવારની ત્રીજી પેઢીના ડૉક્ટર છે અને તેમનો પરિવાર શૈક્ષણિક તેમજ ધાર્મિક ક્ષેત્રે ઊંડા મૂળ ધરાવે છે. તેમના દાદા ડૉ. પ્રભુદાસભાઈ વસાણી દિલ્હીમાં ગોલ્ડ મેડલથી સન્માનિત આ વિસ્તારના અતિ પ્રતિષ્ઠિત તબીબ હતા. જ્યારે તેમના પિતા ડૉ. યોગેશ વસાણી હાલમાં અમરનગર અને રાજકોટ જિલ્લામાં આયુર્વેદના એક નામાંકિત, આદરણીય અને ધાર્મિક વ્યક્તિત્વ ધરાવતા તબીબ તરીકે સ્થાપિત છે. પરિવારમાં તેમના મોટા ભાઈ કલ્પેશ બેંકમાં ઓફિસર છે અને મોટી બેન હરેશ્રી વસાણી સીએ (CA) તરીકે કાર્યરત છે, જ્યારે પરિવારના નાના ભાઈ કસ્ટમ કમિશનર રહી ચૂક્યા છે, આમ આખા પરિવારમાં શિક્ષણનો ભવ્ય વારસો રહેલો છે.

 

ધાર્મિક પૃષ્ઠભૂમિની વાત કરીએ તો, ડૉ. ધાર્મિક વસાણી પૂજ્ય જલારામ બાપાના વેવાઈ એવા પૂજ્ય સંત શિરોમણી જસુમાંના વંશજ છે અને તેઓ પૂજ્ય સદગુરૂ હરિચરણ દાસજી મહારાજની કૃપાપાત્ર શિષ્ય પરંપરામાં આવે છે. તેઓ જ્યારે ધોરણ નવમાં અભ્યાસ કરતા હતા, ત્યારે જ પૂજ્ય સદગુરૂ મહારાજે આશીર્વાદ આપ્યા હતા કે તું એક પ્રતિષ્ઠિત તબીબ બનીને 'દરિદ્ર નારાયણ' (ગરીબો)ની સેવા કરજે. ડૉ. ધાર્મિક વસાણી આ ત્રણ વર્ષના એમડીના અભ્યાસ બાદ ડીએમ ઓન્કોલોજી (DM Oncology) બનીને સૌરાષ્ટ્રના નામાંકિત અને સંપૂર્ણ સેવાભાવી તબીબ બનવા માંગે છે. પુત્રની આ સફળતા અને વરણીથી સમગ્ર વસાણી પરિવારમાં હર્ષની હેલી જોવા મળી રહી છે.

(10:32 AM IST)