તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th April 2026
અમેરિકાના ન્યૂ જર્સીમાં પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીના હાસ્ય દરબારમાં દાનની સરવાણી : ટીંબીની હોસ્પિટલ માટે એક જ કાર્યક્રમમાં એક કરોડનું ફંડ એકત્ર થયું : જુઓ વિડીયો
ન્યૂ જર્સીના બેલવિલ ગામે યોજાયેલ કાર્યક્રમમાં વિનોદ શુક્લ, જય ધડૂક અને ડો. મહેશ લીંબાણી સહિતના દાતાઓએ ડોલરનો વરસાદ કરી નિર્દોષાનંદજી હોસ્પિટલને આપી આર્થિક હૂંફ

ઇશ્વરીયા: તા. ૨૬/૪/૨૬, રવિવારની સાંજે જ્યારે અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યમાં સૂરજ આથમતો હતો, ત્યારે ગુજરાતના કચ્છ અને અન્ય જરૂરિયાતમંદ લોકોના સ્વાસ્થ્ય માટે સુખનો સૂરજ ઉગ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદી હાલ અમેરિકા અને કેનેડાના સાંસ્કૃતિક પ્રવાસે છે, જે અંતર્ગત ન્યૂ જર્સીના બેલવિલ ગામમાં ઓમ મંદિરના હોલમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હાસ્યની છોળોની સાથે માનવતાની મહેક પણ પ્રસરી હતી.
સેવાભાવી તબીબો અને સંસ્થાના હોદ્દેદારોની ઉપસ્થિતિ:
નિર્દોષાનંદજી હોસ્પિટલ ટીંબીના લાભાર્થે યોજાયેલા આ કાર્યક્રમ માટે ડો. મહેશ લીંબાણી, ડો. નટુભાઈ રાજપરા, હોસ્પિટલના પ્રમુખ ધનસુખ દેવાણી, જય ધડૂક, અશોક બરવાળીયા અને ધર્મેશ સુહાગીયાએ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે મુની સેવા આશ્રમના ડો. વિક્રમ પટેલ, ન્યૂયોર્કના ડો. યોગેન્દ્ર પટેલ તેમજ બાલ્ટીમોરના બકુલ વિરડીયા અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
દાતાઓએ મન મૂકીને કર્યું દાન:
કાર્યક્રમ દરમિયાન દાતાઓએ ઉદાર હાથે દાનની સરવાણી વહાવી હતી. જેમાં વિનોદ શુક્લ નામના ભૂદેવે ૩૬,૦૦૦ ડોલરનું માતબર દાન જાહેર કર્યું હતું. અગાઉ ધ્રાંગધ્રા પૂજ્ય રામસ્વામીના ગુરુકુળની હોસ્પિટલ એકલા હાથે બનાવી આપનાર જય ધડૂકે ૩૦,૦૦૦ ડોલર અને ડો. મહેશ લીંબાણીએ ૧૦,૦૦૦ ડોલરનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત અન્ય દર્શકો દ્વારા મળેલી નાની-મોટી રકમના દાન સાથે કુલ ૧,૦૦,૦૦૦ (એક લાખ) ડોલર જેવું માતબર ભંડોળ એકત્ર થયું હતું, જે ભારતીય ચલણ મુજબ આશરે એક કરોડ રૂપિયા જેટલું થવા જાય છે.
જરૂરિયાતમંદ દર્દીઓની સેવામાં વપરાશે રકમ:
ડો. જગદીશ ત્રિવેદીના આ હાસ્ય કાર્યક્રમ થકી એકત્ર થયેલી આ જંગી રકમ નિર્દોષાનંદજી હોસ્પિટલ ટીંબી ખાતે આવતા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર અને હોસ્પિટલના વિકાસલક્ષી કાર્યોમાં વાપરવામાં આવશે. વિદેશની ધરતી પર વસતા ગુજરાતીઓએ પોતાની માતૃભૂમિની સંસ્થા માટે બતાવેલી આ ઉદારતાની ચોમેર પ્રશંસા થઈ રહી છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(9:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
