<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝને મોટો ઝટકો: હૈદરાબાદના બાયોલોજિક્સ પ્લાન્ટમાં USFDAના દરોડા, અમેરિકી નિયમનકારે ફટકાર્યા 7 ગંભીર અવલોકનો!

બચુપલ્લી સ્થિત પ્રોડક્શન ફેસિલિટીમાં 10 દિવસ સુધી ચાલ્યું યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનું પ્રી-લાઇસન્સ નિરીક્ષણ: ફોર્મ 483 જારી થતાં ફાર્મા ક્ષેત્રે મચી ચર્ચા

હૈદરાબાદ, તા.26: ભારતની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની 'ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ' (Dr. Reddy's Laboratories) માટે અમેરિકી બજારમાંથી ચિંતાજનક સમાચાર આવ્યા છે. અમેરિકાના હેલ્થ રેગ્યુલેટર એટલે કે યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) દ્વારા હૈદરાબાદના બચુપલ્લી સ્થિત કંપનીના બાયોલોજિક્સ ઉત્પાદન પ્લાન્ટમાં હાથ ધરવામાં આવેલા તપાસ અભિયાન બાદ સાત મોટી ખામીઓ (અવલોકનો) શોધી કાઢવામાં આવી છે.
10 દિવસ સુધી ચાલ્યું મેગા ઇન્સ્પેક્શન
યુએસએફડીએની ટીમે 16 જૂનથી 25 જૂન, 2026 દરમિયાન ડૉ. રેડ્ડીઝના આ પ્લાન્ટમાં અત્યંત ઝીણવટભર્યું પ્રી-લાઇસન્સ નિરીક્ષણ (PLI) હાથ ધર્યું હતું. આ 10 દિવસીય લાંબી તપાસ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, યુએસ નિયમનકારે કંપનીને સાત અવલોકનો સાથેનું 'ફોર્મ 483' (Form 483) જારી કર્યું છે. ફાર્મા ઉદ્યોગમાં ફોર્મ 483 જારી થવાનો અર્થ એ થાય છે કે પ્લાન્ટની ઉત્પાદન પ્રક્રિયા અથવા પ્લાન્ટના સંચાલનમાં યુએસ ધોરણો મુજબ ખામીઓ જોવા મળી છે.
સમયમર્યાદામાં ભૂલો સુધારી લઈશું: ડૉ. રેડ્ડીઝ
આ મામલે જનરેરિક દવાઓ બનાવતી અગ્રણી કંપની ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ દ્વારા સત્તાવાર શેરબજાર ફાઇલિંગમાં વિગતો આપવામાં આવી છે. કંપનીએ જણાવ્યું છે કે, "અમેરિકી નિયમનકાર તરફથી અમને સાત અવલોકનો મળ્યા છે. અમે આ તમામ વાંધાઓ અને અવલોકનોનો ગંભીરતાથી અભ્યાસ કરી રહ્યા છીએ, અને નિર્ધારિત સમયમર્યાદાની અંદર USFDA સમક્ષ તેનો સંતોષકારક જવાબ રજૂ કરીને આ ખામીઓને સંપૂર્ણપણે દૂર કરી દઈશું."
ઉલ્લેખનીય છે કે વૈશ્વિક સ્તરે અને ખાસ કરીને અમેરિકી બજારમાં દવાઓ સપ્લાય કરવા માટે USFDAની મંજૂરી અત્યંત અનિવાર્ય હોય છે. હવે કંપની આ ખામીઓને કેટલી ઝડપથી સુધારે છે તેના પર રોકાણકારો અને બજારની નજર રહેશે.

(4:19 PM IST)