<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

આકાશમાં 'ડ્રેગન'નો પંજો: અમેરિકન F-15 ને તોડી પાડવામાં ચીની મિસાઈલનો ઉપયોગ થયો હોવાનો ઘટસ્ફોટ

અદ્યતન રડાર સિસ્ટમ પૂરી પાડ્યાનો ગંભીર આરોપ : MANPADS મિસાઈલે આધુનિક ફાઈટર જેટને તોડી પાડ્યું હોવાના અહેવાલથી વોશિંગ્ટન અને બેઇજિંગ વચ્ચેના સંબંધોમાં ભારે તણાવની શક્યતા

તેહરાન;   એક અહેવાલ મુજબ, ગયા મહિને દક્ષિણપશ્ચિમ ઈરાનના આકાશમાં જ્યારે અમેરિકન F-15E સ્ટ્રાઈક ઈગલ ઉડતું હતું, ત્યારે ચીની બનાવટની ખભા પરથી છોડી શકાય તેવી મિસાઈલ (MANPADS) દ્વારા તેને નિશાન બનાવવામાં આવ્યું હોવાની આશંકા છે. NBC ન્યૂઝના રિપોર્ટમાં દાવો કરાયો છે કે ચીને ઈરાનને માત્ર હથિયારો જ નહીં, પરંતુ લાંબા અંતરની સર્વેલન્સ રડાર સિસ્ટમ અને સ્ટીલ્થ એરક્રાફ્ટ ટ્રેકિંગ ટેકનોલોજી પણ પૂરી પાડી છે. આ અદ્યતન સિસ્ટમની મદદથી ઈરાની દળો માટે અમેરિકાના અત્યાધુનિક ફાઈટર જેટ્સને ટ્રેક કરવા અને તેમને નિશાન બનાવવા પહેલા કરતા વધુ સરળ બન્યું છે, જે પેન્ટાગોન માટે ચિંતાનો વિષય છે.

ક્રેશની ઘટના બાદ અમેરિકી સૈન્ય દ્વારા હાથ ધરવામાં આવેલું રેસ્ક્યુ ઓપરેશન કોઈ હોલીવુડ ફિલ્મની પટકથા જેવું રોમાંચક હતું. વિમાનમાં સવાર બે ક્રૂ સભ્યો પેરાશૂટ દ્વારા ઝાગ્રોસના પથરાળ પર્વતોમાં ઉતર્યા હતા. પાયલટને તો સાત કલાકમાં શોધી લેવાયો હતો, પરંતુ વેપન સિસ્ટમ ઓફિસરને શોધવા માટે યુએસ સેનાએ 36 કલાક સુધી આભ-જમીન એક કર્યા હતા. ઈરાની સૈન્યથી બચવા માટે આ પાયલટ બે દિવસ સુધી પર્વતોની ગુફાઓમાં છુપાયેલો રહ્યો હતો. અંતે અમેરિકી વિશેષ દળો તેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ રહ્યા હતા, પરંતુ આ ઘટનાએ અમેરિકી સૈન્ય ટેકનોલોજીની સુરક્ષા સામે મોટા પ્રશ્નાર્થ ચિન્હો મૂકી દીધા છે.

રાજકીય મોરચે આ મુદ્દો અત્યંત નાજુક વળાંક પર છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગના એ વચન પર ભરોસો વ્યક્ત કર્યો હતો કે ચીન ઈરાનને શસ્ત્રો નથી મોકલી રહ્યું. જો તપાસમાં સાબિત થાય છે કે ચીની મિસાઈલ કે રડારનો ઉપયોગ થયો હતો, તો બેઇજિંગ અને વોશિંગ્ટન વચ્ચેના સંબંધોમાં કાયમી તિરાડ પડી શકે છે. હાલમાં અમેરિકી સત્તાવાળાઓ વિમાનના કાટમાળ અને ઉપલબ્ધ ડેટાની તપાસ કરી રહ્યા છે જેથી એ જાણી શકાય કે કયા પ્રકારના હથિયારથી વિમાનને નુકસાન થયું હતું.

(8:20 PM IST)