તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
ડ્રેગનની નવી ચાલ: ઈરાન-અમેરિકા વિવાદ વચ્ચે ચીને તાઈવાનના દરિયામાં મોકલ્યા ઘાતક યુદ્ધ જહાજો
પેંગુ ટાપુઓ પાસે ચીની ડિસ્ટ્રોયરની એન્ટ્રીથી એશિયામાં યુદ્ધના વાદળો ઘેરાયા: એકતરફ મધ્ય-પૂર્વમાં તણાવ અને બીજી તરફ ચીનની ઘૂસણખોરી: તાઈવાને નૌકાદળ અને વાયુસેનાને કર્યા હાઈ-એલર્ટ પર: ગમે ત્યારે ભડકો થવાની ભીતિ

બેજિંગ: વિશ્વનું ધ્યાન જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચેના સંભવિત મહાયુદ્ધ પર કેન્દ્રિત છે, ત્યારે ચીને આ તકનો લાભ લઈને તાઈવાન સ્ટ્રેટમાં પોતાની લશ્કરી તાકાતનું પ્રદર્શન તેજ કરી દીધું છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે સનસનાટીભર્યો દાવો કર્યો છે કે પેંગુ ટાપુઓના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં ચીનના બે અત્યંત આધુનિક યુદ્ધ જહાજો—એક વિનાશક (Destroyer) અને એક ફ્રિગેટ—બિનઅધિકૃત રીતે ઘૂસી આવ્યા છે. આ હિલચાલને કારણે પેસિફિક ક્ષેત્રમાં અચાનક ગરમાવો આવી ગયો છે અને તાઈવાને તેના સશસ્ત્ર દળોને 'પળવારમાં જવાબ આપવા' માટે સજ્જ રહેવા આદેશ આપ્યો છે.
ચીન તાઈવાનને પોતાનો જ હિસ્સો માને છે અને દરરોજ ફાઈટર જેટ્સ મોકલીને ડરાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ યુદ્ધ જહાજોની આ પ્રકારની સીધી અને આક્રમક એન્ટ્રીએ લાલબત્તી ધરી દીધી છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે ચીની જહાજોના હાઈ-રિઝોલ્યુશન ફોટોગ્રાફ્સ જાહેર કરીને દુનિયાને ડ્રેગનની મેલી મુરાદ વિશે ચેતવણી આપી છે. તાઈવાનની વાયુસેના અને નૌકાદળ હાલમાં આ જહાજોની હિલચાલ પર બાજ નજર રાખી રહ્યા છે. નિષ્ણાતો માને છે કે ચીન એ ચકાસી રહ્યું છે કે જ્યારે અમેરિકા પશ્ચિમ એશિયાના સંઘર્ષમાં વ્યસ્ત હોય, ત્યારે એશિયામાં તેની પકડ કેટલી મજબૂત રહી શકે છે.
બીજી તરફ, તાઈવાન સરકાર અને ત્યાંની જનતાએ ચીનના સાર્વભૌમત્વના દાવાને સ્પષ્ટપણે ફગાવી દીધો છે. તાઈપેઈનું કહેવું છે કે ટાપુના ભવિષ્યનો નિર્ણય માત્ર ત્યાંના લોકો જ કરશે, કોઈ અન્ય દેશ નહીં. ચીનના સંરક્ષણ મંત્રાલયે આ પ્રવૃત્તિઓને "વાજબી અને યોગ્ય" ગણાવીને તણાવ માટે તાઈવાન સરકારને જ જવાબદાર ઠેરવી છે. અત્યારે સ્થિતિ એવી છે કે જો નાની સરખી પણ ભૂલ થશે, તો ઈરાન-અમેરિકા સંઘર્ષની સાથે વિશ્વએ બીજા એક મોટા યુદ્ધ મોરચાનો સામનો કરવો પડી શકે છે જેની અસર સમગ્ર વિશ્વના વેપાર અને શાંતિ પર પડશે.
(11:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
