તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
ડ્રેગનનો રેલવે રેકોર્ડ: ચીનમાં એક જ દિવસમાં અધધ.. અઢી કરોડ લોકોએ ટ્રેનમાં મુસાફરી કરી, દુનિયા જોતી રહી ગઈ!
વેકેશનના માહોલમાં આખું ચીન પાટા પર ઉતરી આવ્યું; હાઈ-સ્પીડ નેટવર્ક અને પર્યટનના જોરે ચીની રેલવેએ ઈતિહાસ રચ્યો

બીજિંગ,: ચીને પરિવહન ક્ષેત્રે ફરી એકવાર પોતાની તાકાતનું પ્રદર્શન કરતા વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે. ૧ મે ના રોજ ચીનમાં આશરે ૨.૪૮ કરોડ (૨૪.૮ મિલિયન) લોકોએ એક જ દિવસમાં ટ્રેન દ્વારા મુસાફરી કરી છે. 'ચીન સ્ટેટ રેલવે ગ્રુપ'ના જણાવ્યા અનુસાર, મુસાફરોની આ સંખ્યા એક દિવસમાં ટ્રેન સફર માટેનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. ચીનની સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુઆના રિપોર્ટ મુજબ, ૨ મે ના રોજ પણ અંદાજે ૧.૯૭ કરોડ લોકો ટ્રેનમાં મુસાફરી કરે તેવી શક્યતા છે.
ભીડને પહોંચી વળવા સેંકડો વધારાની ટ્રેનો દોડાવી
રજાઓના કારણે રેલવે સ્ટેશનો પર ઉમટેલી જનમેદનીને જોતા ચીની સરકારે અનેક રૂટ પર વધારાની ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો હતો. ઝેંગઝોઉ લાઇન પર ૧૪૦ અને ચેંગદુ લાઇન પર ૧૮૪ નવી પેસેન્જર ટ્રેનો ઉમેરવામાં આવી હતી. ચીનનું પર્યટન બજાર હાલમાં દેશની અર્થવ્યવસ્થા માટે 'બુસ્ટર ડોઝ' સમાન સાબિત થઈ રહ્યું છે. રિયલ એસ્ટેટમાં ચાલી રહેલી મંદી વચ્ચે પર્યટન ક્ષેત્રે આવેલો આ ઉછાળો આર્થિક ગતિવિધિઓને નવી ઉર્જા આપી રહ્યો છે.
હાઈ-સ્પીડ રેલ નેટવર્કની કમાલ
ચીન પાસે વિશ્વનું સૌથી અદ્યતન અને વિશાળ હાઈ-સ્પીડ રેલ નેટવર્ક છે. બેઇજિંગ, શાંઘાઈ અને ગ્વાંગઝૂ જેવા મોટા શહેરો અત્યંત ઝડપી ટ્રેનોથી જોડાયેલા હોવાથી મુસાફરીનો સમય ઘણો ઘટી ગયો છે. ગ્રેટ વોલ ઓફ ચાઈના અને ફોરબિડન સિટી જેવા ઐતિહાસિક સ્થળો જોવા માટે દેશી અને વિદેશી પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. સરકાર દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ સેવાઓમાં કરાયેલા ભારે રોકાણને કારણે સામાન્ય જનતા માટે આટલી મોટી સંખ્યામાં મુસાફરી કરવી સરળ બની છે.
પર્યટન ઉદ્યોગમાં નવી તેજી
કોરોના મહામારી બાદ ચીનનો પર્યટન ઉદ્યોગ ધીમે ધીમે પાટા પર પરત ફરી રહ્યો છે. ભલે આર્થિક દબાણ અને વપરાશમાં વધઘટ જેવી પડકારો સામે હોય, પણ જે રીતે અઢી કરોડ લોકોએ એકસાથે મુસાફરી કરી છે, તે દર્શાવે છે કે ચીનમાં ઘરેલું પર્યટન ખૂબ જ મજબૂત બન્યું છે. રેલવે નેટવર્કનો આ વ્યાપ પ્રાદેશિક જોડાણ વધારવાની સાથે સાથે વેપાર માટે પણ નવા રસ્તાઓ ખોલી રહ્યો છે.
(10:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
