તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
ભારતીય સંરક્ષણ ક્ષેત્રે DRDO નો મોટો ધડાકો: નેક્સ્ટ-જનરેશન બખ્તરબંધ વાહનોનું અનાવરણ, હવે દુશ્મનોની ખેર નહીં!
સ્વદેશી ટેકનોલોજીથી સજ્જ 'ક્રૂલેસ ટાવર' અને એન્ટી-ટેન્ક મિસાઈલ છોડવાની ક્ષમતા; મુશ્કેલ ભૂપ્રદેશ અને પાણીમાં પણ દુશ્મનનો કાળ બનશે આ અત્યાધુનિક પ્લેટફોર્મ

અહિલ્યાનગર (મહારાષ્ટ્ર): ભારતની સંરક્ષણ ક્ષમતાઓમાં વધારો કરવા અને 'આત્મનિર્ભર ભારત' અભિયાનને વધુ મજબૂત બનાવતા, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ શનિવારે નેક્સ્ટ-જનરેશન બખ્તરબંધ પ્લેટફોર્મનું અનાવરણ કર્યું છે. મહારાષ્ટ્રના અહિલ્યાનગરમાં વાહન સંશોધન અને વિકાસ સ્થાપના (VRDE) દ્વારા વિકસિત આ અત્યાધુનિક વાહનોનું ઉદ્ઘાટન DRDO ના અધ્યક્ષ ડૉ. એસ.વી. કામતે કર્યું હતું. આ નવા બખ્તરબંધ વાહનો ભવિષ્યના યુદ્ધની પદ્ધતિઓને બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે.
આ પ્લેટફોર્મની સૌથી મોટી વિશેષતા તેમાં લગાડવામાં આવેલો સ્વદેશી '૩૦ mm ક્રૂલેસ ટાવર' (Crewless Tower) છે. આ ટાવર ૭.૬૨ mm PKT ગનથી સજ્જ છે, જે ઓપરેટર વગર જ દુશ્મનો પર સચોટ નિશાન સાધી શકે છે. આ ઉપરાંત, આ વાહનો એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલો (ATGM) લોન્ચ કરવા માટે પણ સક્ષમ છે, જે યુદ્ધના મેદાનમાં દુશ્મનની ટેન્કોના કુરચેકુરચા ઉડાડી દેશે. ડૉ. કામતે જણાવ્યું હતું કે, આ વાહનો અદ્યતન ફાયરપાવર, ગતિશીલતા અને સુરક્ષાનું ઉત્તમ મિશ્રણ છે.
પાણી અને જમીન બંને પર પ્રભુત્વ:
હાઇ-પાવર એન્જિન અને ઓટોમેટિક ટ્રાન્સમિશન ધરાવતા આ વાહનો પહાડી અને પથરાળ વિસ્તારોમાં પણ તેજ ગતિએ દોડી શકે છે. એટલું જ નહીં, હાઇડ્રોજેટ ટેકનોલોજી (Hydrojet Technology) ને કારણે આ વાહનો 'ઉભયજીવી' (Amphibious) ક્ષમતા ધરાવે છે, એટલે કે તે કોઈપણ અવરોધ વગર નદી કે પાણીના વિસ્તારોને પણ આસાનીથી પાર કરી શકે છે. સુરક્ષાની દૃષ્ટિએ તેને STANAG લેવલ ૪ અને ૫ મુજબ બેલિસ્ટિક અને વિસ્ફોટક સુરક્ષા આપવામાં આવી છે, જે દુશ્મનના હુમલા કે સુરંગ વિસ્ફોટ સામે સૈનિકોનું રક્ષણ કરશે.
૯૦% સ્વદેશીકરણનો લક્ષ્યાંક:
વર્તમાનમાં આ પ્લેટફોર્મમાં ૬૫ ટકા સ્વદેશી ભાગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને આગામી સમયમાં વધારીને ૯૦ ટકા સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે. આ પ્રોજેક્ટમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી પણ નોંધપાત્ર રહી છે. ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ અને ભારત ફોર્જ લિમિટેડ જેવી કંપનીઓએ અનેક MSME એકમો સાથે મળીને આ વાહનો તૈયાર કર્યા છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, આ નવી ટેકનોલોજીથી ભારતીય સેનાની કાર્યકારી ક્ષમતામાં અનેકગણો વધારો થશે અને ભારત સંરક્ષણ નિકાસના ક્ષેત્રમાં પણ આગળ વધશે.
(12:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
