તા. ૧૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૦ સોમવાર
News of Friday, 24th April 2026
ઓસ્ટ્રેલિયા જવાનું સપનું મોંઘું બન્યું: વિઝા ફીમાં તોતિંગ વધારો અને કડક નિયમોને કારણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો મોહભંગ, સંખ્યામાં મોટા ઘટાડાની ભીતિ
ચીન-ભારત સહિતના એશિયાઈ દેશોના વિદ્યાર્થીઓમાં વિઝા રિજેક્શનનો દર વધ્યો; એજ્યુકેશન સેક્ટર પર આર્થિક સંકટના વાદળો

મેલબોર્ન: ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ શિક્ષણ મેળવીને કારકિર્દી બનાવવાનું સપનું જોતા ભારતીય સહિતના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે હવે કપરા ચઢાણ જોવા મળી રહ્યા છે. ICEF મોનિટરના તાજેતરના અહેવાલ મુજબ, ઓસ્ટ્રેલિયા સરકાર દ્વારા વિઝા નીતિઓમાં કરવામાં આવેલા ધરખમ ફેરફારો અને વધતા ખર્ચને કારણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં આગામી સમયમાં મોટો ઘટાડો થઈ શકે છે. ખાસ કરીને વિઝા અરજી ફીમાં કરવામાં આવેલો તોતિંગ વધારો વિદ્યાર્થીઓ માટે મોટો અવરોધ બની રહ્યો છે.
વિઝા ફીમાં વિશ્વનો સૌથી મોટો વધારો
ઓસ્ટ્રેલિયાએ તેની સ્ટુડન્ટ વિઝા ફી વધારીને AU$ 2,000 (આશરે 1.10 લાખ રૂપિયાથી વધુ) કરી દીધી છે, જે અત્યારે વૈશ્વિક સ્તરે સૌથી વધુ માનવામાં આવે છે. આ આર્થિક બોજને કારણે ટૂંકા ગાળાના કોર્સ અને અંગ્રેજી ભાષાના કાર્યક્રમો (ELICOS) માં રસ ધરાવતા વિદ્યાર્થીઓ હવે અન્ય વિકલ્પો તરફ વળી રહ્યા છે. આંકડાકીય વિગતો મુજબ, વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૫ વચ્ચે વિદ્યાર્થી વિઝાની અરજીઓમાં ૩૨% જેવો મોટો ઘટાડો નોંધાયો છે.
ભારત અને પાડોશી દેશો માટે વિઝા મેળવવા મુશ્કેલ
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ચીનમાંથી આવતી અરજીઓમાં ઘટાડો થયો છે, જ્યારે ભારત, નેપાળ અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ માટે વિઝા ઇનકાર (રિજેક્શન) દર ખૂબ જ ઊંચો રહ્યો છે. સરકારની કડક સ્ક્રુટિની અને બદલાયેલા નિયમોને કારણે લાયક વિદ્યાર્થીઓને પણ વિઝા મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. આ પરિસ્થિતિને કારણે ઓસ્ટ્રેલિયાના શિક્ષણ ક્ષેત્રની આખી 'પાઇપલાઇન' ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.
યુનિવર્સિટીઓ અને વ્યાવસાયિક શિક્ષણ પર ખતરો
જોકે ઉચ્ચ શિક્ષણમાં ૨૦૨૪-૨૫ દરમિયાન નોંધણીમાં ૯.૭%નો થોડો વધારો જોવા મળ્યો હતો, પરંતુ નવા આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા, અભ્યાસ પૂર્ણ કરીને પરત જતાં વિદ્યાર્થીઓની સરખામણીએ ઘણી ઓછી છે. આ અસંતુલન વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ (VET) ક્ષેત્ર માટે જોખમી સાબિત થઈ શકે છે. નિષ્ણાતોના મતે જો ઓસ્ટ્રેલિયા સરકાર પોતાની નીતિઓમાં નરમાશ નહીં લાવે, તો આંતરરાષ્ટ્રીય શિક્ષણના હબ તરીકે તેની ઓળખ જોખમાઈ શકે છે.
(6:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
