હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બમણું ભાડું ન આપતાં મહિલા જજને સૂમસામ ગલીમાં લઈ ગયો ડ્રાઇવર!
ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં એક મહિલા જજ સાથે કેબની મુસાફરી દરમિયાન બનેલી ઘટનાએ ચકચાર મચાવી : મહિલા જજે રેપિડો કેબ ડ્રાઇવર પર બમણું ભાડું માગવા, સૂમસામ ગલીમાં લઈ જઈ ધમકી આપવા અને અપહરણનો પ્રયાસ કરવાનો ગંભીર આરોપ

દેહરાદૂન,તા.૨૩: ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં એક મહિલા જજ સાથે કેબની મુસાફરી દરમિયાન બનેલી ઘટનાએ ચકચાર મચાવી છે. મહિલા જજે રેપિડો કેબ ડ્રાઇવર પર બમણું ભાડું માગવા, સૂમસામ ગલીમાં લઈ જઈ ધમકી આપવા અને અપહરણનો પ્રયાસ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમની ફરિયાદના આધારે ડાલનવાલા પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. પોલીસે આરોપી ડ્રાઇવરને કસ્ટડીમાં લીધો હોવાનું સામે આવ્યું છે.
અહેવાલ મુજબ, દેહરાદૂનમાં ફરજ બજાવતા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અંજાલિ બેંજવાલે ૨૧ ઓક્ટોબરે મુસાફરી માટે રેપિડો એપ મારફતે કેબ બુક કરી હતી. આશરે ૯ કિલોમીટરની મુસાફરી દરમિયાન ડ્રાઇવરે કારમાં AC ચાલુ કરવાના નામે નક્કી થયેલા ભાડાથી બમણી રકમ માગી હતી. મહિલા જજે વધારાના પૈસા ચૂકવવાનો ઇનકાર કરતાં ડ્રાઇવર ઉશ્કેરાયો હોવાનો ફરિયાદમાં આરોપ છે.
ફરિયાદ અનુસાર, ડ્રાઇવરે નક્કી કરેલા માર્ગને બદલે કારને એક અંધારી અને સૂમસામ ગલીમાં લઈ ગયો હતો. આ દરમિયાન મહિલા જજે કારમાં બેઠાં બેઠાં કોર્ટના કર્મચારી રવિન્દ્રને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. આરોપ છે કે ફોન કરતાં ડ્રાઇવર વધુ ઉશ્કેરાયો હતો અને પોલીસમાં પોતાની ઓળખાણ હોવાનો દાવો કરીને મહિલા જજને ધમકાવ્યાં હતાં.
મહિલા જજની ફરિયાદ પ્રમાણે, આગળનો રસ્તો બંધ હોવાનું જણાતાં ડ્રાઇવર કાર પાછી લઈ આવ્યો હતો. બાદમાં તેણે રાઇડ કેન્સલ કરી હતી.જજ કોલોનીના ગેટ પાસે પહોંચ્યા બાદ પણ ડ્રાઇવરે હંગામો કર્યો હોવાનો આરોપ છે. ત્યાં ફરજ પર હાજર સુરક્ષા ગાર્ડ સાથે પણ તેણે ગેરવર્તન કર્યું હોવાનું જણાવાયું છે. ઘટનાની જાણ થતાં ચીતા પોલીસની ટીમ સ્થળે પહોંચી હતી અને ડ્રાઇવરને કસ્ટડીમાં લઈને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
મહિલા જજે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી ડ્રાઇવરને હવે તેમના નિવાસસ્થાનની જાણ થઈ ગઈ હોવાથી તેમને પોતાની સુરક્ષાની ચિતા છે. તેમણે પોલીસ સમક્ષ યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી છે.
ડાલનવાલા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS ૨૦૨૩)ની કલમ ૧૧૫(૨), ૧૨૭(૨), ૩૦૮(૩), ૩૫૧(૨) અને ૩૫૨ હેઠળ ફરિયાદ નોંધી છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. જોકે, મહિલા જજે કરેલા અપહરણના પ્રયાસ સહિતના આરોપો અંગે અંતિમ નિષ્કર્ષ પોલીસ તપાસ અને ન્યાયિક પ્રક્રિયા બાદ જ આવી શકશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
