તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
ડ્રાઈવરની એક નાનકડી ભૂલ અને ચાર જિંદગીઓ ખાખ: રાજસ્થાનમાં બીડી સળગાવતા ભંગારના ગોદામમાં ભીષણ વિસ્ફોટ, ૨ સગીર સહિત ૪ જીવતા ભૂંજાયા
પરફ્યુમની બોટલોમાંથી નીકળેલા કેમિકલે પકડ્યો દેવતા; વિસ્ફોટોથી ધ્રુજી ઉઠ્યું નીમરાણા, પીગળેલા ટીનશેડ નીચે દબાઈ જવાથી માસૂમ બાળકોના કરુણ મોત

નીમરાણા: રાજસ્થાનના નીમરાણા (કોટપુતલી-બહરોડ) વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક દુર્ઘટના ઘટી છે. એક ગેરકાયદેસર ભંગારના ગોદામમાં લાગેલી ભયાનક આગમાં બે માસૂમ બાળકો સહિત કુલ ચાર લોકો જીવતા સળગી ગયા છે. આ અકસ્માત પાછળનું કારણ એક પિકઅપ વાહનના ડ્રાઈવરની ઘોર બેદરકારી હોવાનું સામે આવ્યું છે. ડ્રાઈવરે માત્ર એક બીડી સળગાવવા માટે દીવાસળી ફેંકી અને જોતજોતામાં આખું ગોદામ સ્મશાનમાં ફેરવાઈ ગયું.
ઘટનાની વિગતો એવી છે કે, ગોદામમાં મજૂરો ભંગારમાં આવેલી પરફ્યુમની ખાલી બોટલો તોડી રહ્યા હતા. આ પ્રક્રિયા દરમિયાન બોટલોમાંથી અત્યંત જ્વલનશીલ કેમિકલ બહાર નીકળીને જમીન પર પ્રસરી રહ્યું હતું. બરાબર એ જ સમયે ત્યાં આવેલા એક પિકઅપ ડ્રાઈવરે બીડી સળગાવીને સળગતી દીવાસળી કેમિકલ પર ફેંકી દીધી હતી. કેમિકલે પળવારમાં આગ પકડી લીધી અને જોતજોતામાં ગોદામમાં રાખેલા કેમિકલના ડ્રમોમાં એક પછી એક પાંચ પ્રચંડ વિસ્ફોટો થયા હતા.
પીગળેલા લોખંડના પિલર કાળ બન્યા:
આગની જ્વાળાઓ એટલી ભીષણ હતી કે લોકો જીવ બચાવવા આમ-તેમ ભાગવા લાગ્યા હતા. બે સગીર બાળકો અને એક મહિલા બચવા માટે ગોદામના પાછળના ભાગમાં છુપાયા હતા, પરંતુ આકરી ગરમીના કારણે ગોદામના ટીનશેડના લોખંડના પિલર મીણની જેમ પીગળી ગયા હતા. આ ધગધગતા પિલર અને શેડ સીધા મજૂરો પર પડ્યા, જેના કારણે તેઓ બહાર નીકળી શક્યા નહીં અને જીવતા જ ભડથું થઈ ગયા. આ અકસ્માતમાં દશરથ (૨૮), રવિદત્ત યાદવ (૫૮), કવિતા (૧૭) અને માત્ર ૭ વર્ષની આરુષીનું કરુણ મોત નીપજ્યું છે.
તંત્રની ઊંઘ અને ગ્રામજનોનો રોષ:
સ્થાનિક લોકોમાં આ ઘટનાને પગલે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રહીશોનો આરોપ છે કે આ ગોદામ ગેરકાયદેસર રીતે ચાલતું હતું અને તે અંગે અગાઉ અનેકવાર વહીવટી તંત્રને લેખિત ફરિયાદો કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ પગલાં લેવાયા નહોતા. ઉલ્લેખનીય છે કે, હજુ બે લોકો લાપતા હોવાની આશંકા છે અને એક મહિલા હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહી છે. ફાયર બ્રિગેડની ટીમને આ ભીષણ આગ પર કાબૂ મેળવતા અંદાજે ૪ કલાકનો સમય લાગ્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર ગેરકાયદેસર ચાલતા ગોદામો અને સુરક્ષાના નિયમોના લીરેલીરા ઉડાવતી તસવીર રજૂ કરી છે.
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
