તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
બ્લેક સી માં બે જહાજો ઉપર ડ્રોન હુમલા : સાત ખલાસીઓ લાપતા, રશિયા-યુક્રેન યુદ્ધ હવે નાટો દેશોની સરહદ સુધી પહોંચ્યું
રોમાનિયાના દરિયાકાંઠે બે ટેન્કરોમાં ભીષણ આગ : પાંચ ખલાસીઓ બચાવાયા, રશિયા સામે શંકા અને નાટો સંગઠનમાં ચિંતા

બુખારેસ્ટ:રોમાનિયાના દરિયાકાંઠે કાળા સમુદ્રમાં બે જહાજો ઉપર ડ્રોન હુમલાની ઘટનાથી આંતરરાષ્ટ્રીય તણાવ વધ્યો છે. એક જહાજના સાત ખલાસીઓ લાપતા છે, જ્યારે પાંચને બચાવી લેવામાં આવ્યા છે. રોમાનિયાના રાષ્ટ્રપતિએ ડ્રોન હુમલાની પુષ્ટિ કરી છે, પરંતુ હુમલા પાછળ રશિયા હોવાની સત્તાવાર પુષ્ટિ કરી નથી.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે રોમાનિયાના દરિયાકાંઠા સુધી પહોંચી છે. ગુરુવારે કાળા સમુદ્રમાં સુલિના બંદર નજીક બે રાસાયણિક પદાર્થોના પરિવહન માટેનાં જહાજો ડ્રોન હુમલાનો ભોગ બનતાં તેમાં આગ લાગી હતી.
સાન મેરિનોનો ધ્વજ ધરાવતા 'વાઇન ટ્રેડર' નામના જહાજમાં કુલ ૧૨ ખલાસીઓ હતા. તેમાંથી પાંચને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે સાત ખલાસીઓ હજુ લાપતા છે. બચાવ કામગીરીમાં હેલિકોપ્ટર અને વિશેષ નૌકાઓ જોડાઈ છે. દરિયામાં ઊંચાં મોજાંને કારણે કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.
કોમોરોસનો ધ્વજ ધરાવતા 'યારા જે' નામના બીજા જહાજમાં પણ આગ લાગી હતી. જોકે તેના તમામ ખલાસીઓ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.
રોમાનિયાના રાષ્ટ્રપતિ નિકુશોર ડાને બંને જહાજોને ડ્રોન દ્વારા નિશાન બનાવવામાં આવ્યાની પુષ્ટિ કરી છે. જોકે આ ડ્રોન રશિયાના જ હતા કે કેમ તે અંગે તપાસ ચાલુ છે. રોમાનિયા નાટો સંગઠનનો સભ્ય દેશ હોવાથી આ ઘટનાને ગંભીરતાથી જોવામાં આવી રહી છે.
ભારત ઉપર સંભવિત અસર : કાળા સમુદ્રનો દરિયાઈ માર્ગ અનાજ અને અન્ય માલસામાનના આંતરરાષ્ટ્રીય પરિવહન માટે મહત્ત્વપૂર્ણ છે. સતત હુમલાઓને કારણે પરિવહન ખર્ચ અને દરિયાઈ વીમાના દર ઉપર અસર થવાની શક્યતા છે. જોકે ભારતના કોઈ જહાજ કે ભારતીય નાગરિકને આ ઘટનામાં નુકસાન થયાની પુષ્ટિ મળી નથી.
તાજી સ્થિતિ : ગુરુવાર, ૧૫ ઑક્ટોબર, રાત્રે ૧૧:૧૬ વાગ્યા સુધી સાત ખલાસીઓ લાપતા છે. તેમના મૃત્યુની પુષ્ટિ થઈ નથી. શોધખોળ ચાલુ છે
(11:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
