<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

શિયાળાના ગાઢ ધુમ્મસમાં પાકિસ્તાની આતંકીઓની ઘૂસણખોરી રોકવા એલઓસી ઉપર ડ્રોન અને યુએવીનો પહેરો

પૂંછ-રાજૌરી સરહદે સુરક્ષા વ્યવસ્થા વધુ ચુસ્તઃ સંભવિત ઘૂસણખોરીના માર્ગો ઉપર વધારાના જવાનો તૈનાતઃ આતંકી નેટવર્ક ઉપર ગુપ્તચર એજન્સીઓની બાજનજર

જમ્મુ : શિયાળાની શરૂઆત સાથે જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણરેખા ઉપર પાકિસ્તાન તરફથી આતંકીઓની સંભવિત ઘૂસણખોરી અટકાવવા સુરક્ષા દળોએ સતર્કતા વધારી છે. ખાસ કરીને પૂંછ અને રાજૌરીના સંવેદનશીલ સરહદી વિસ્તારોમાં ડ્રોન તથા માનવરહિત હવાઈ વાહનો દ્વારા દેખરેખ મજબૂત કરવામાં આવી રહી છે. ગાઢ ધુમ્મસમાં દૃશ્યતા લગભગ શૂન્ય થઈ જતી હોવાથી આધુનિક ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ વધારાયો છે.

 

સુરક્ષા સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન ઘૂસણખોરીનું જોખમ વધારે રહે છે. પાકિસ્તાની સેના અને આતંકી સંગઠનો દ્વારા તાલીમબદ્ધ આતંકીઓને સરહદ પાર મોકલવાના પ્રયાસોની આશંકાને ધ્યાનમાં રાખીને સંભવિત માર્ગો ઉપર વધારાના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

 

ગુપ્તચર માહિતી પ્રમાણે લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન સાથે સંકળાયેલા નેટવર્ક પાકિસ્તાન તથા પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં આતંકીઓને તાલીમ આપી નિયંત્રણરેખા નજીક પહોંચાડવાના પ્રયાસો કરી રહ્યા છે. સ્થાનિક યુવાનોની આતંકવાદમાં ઘટતી ભાગીદારીને પગલે પાકિસ્તાની યુવાનોની ભરતી ઉપર ભાર મૂકાતો હોવાની પણ માહિતી છે.

 

બીજી તરફ સુરક્ષા એજન્સીઓ આતંકીઓના સ્થાનિક સંપર્કો, મોબાઇલ એપ્લિકેશનો અને સંચાર વ્યવસ્થા ઉપર નજર રાખી રહી છે. પૂંછ, રાજૌરી, ડોડા અને કિશ્તવાડ સહિતના જિલ્લાઓમાં આતંકી નેટવર્કની ઓળખ તથા સરહદપાર રહેતા આતંકીઓની મિલકતોની તપાસ અને કાયદેસર જપ્તીની કાર્યવાહી પણ ચાલુ છે.

(9:43 PM IST)