<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

મહારાષ્ટ્રના ૩૫૮માંથી ૨૬૫ તાલુકાઓમાં દુષ્‍કાળ જાહેર

 

મુંબઈ તા.૨૬: મહારાષ્ટ્ર સરકારે શનિવારે રાજ્‍યના કુલ ૩૫૮માંથી ૨૬૫ તાલુકાઓને દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કર્યા છે. આ અંગે રાજ્‍ય સરકારે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્‍યું છે. આ નિર્ણયથી રાજ્‍યના આશરે ૭૪ ટકા વિસ્‍તારને અસર થશે. મુખ્‍ય મંત્રી દેવેન્‍દ્ર ફડણવીસે તાજેતરમાં દુષ્‍કાળગ્રસ્‍ત વિસ્‍તારોની મુલાકાત લીધા બાદ આ નિર્ણય લેવામાં આવ્‍યો છે. ધારાશિવ અને બીડ સહિતના જિલ્‍લાઓમાં જુલાઈ બાદ ખૂબ ઓછો અથવા નહિવત્‌ વરસાદ નોંધાયો છે. તેને કારણે પાક, પશુધન તેમ જ ખેડૂતો અને મજૂરોની દૈનિક પાણીની જરૂરિયાતો પર અસર પડી છે.

રાજ્‍ય સરકારના આંકડા મુજબ ૧ જૂનથી ૧૮ સપ્‍ટેમ્‍બર દરમિયાન છત્રપતિ સંભાજીનગર વિભાગમાં સામાન્‍ય ૬૧૩.૧ મિમીની સરખામણીએ માત્ર ૪૨૪.૫ મિમી વરસાદ નોંધાયો હતો. એટલે કે વરસાદમાં ૩૦.૮ ટકાની અછત રહી હતી. ધારાશિવ સહિત મરાઠવાડાના પાંચ અન્‍ય જિલ્‍લા પણ આ વિભાગમાં આવે છે. પુણે અને નાશિક વિભાગોમાં પણ આશરે ૩૦ ટકાની વરસાદની અછત નોંધાઈ હતી, જ્‍યારે અમરાવતી અને નાગપુર વિભાગોમાં લગભગ ૨૭ ટકાની અછત રહી હતી. કોંકણ વિભાગમાં વરસાદની અછત ૬.૩ ટકા નોંધાઈ હતી. મહારાષ્ટ્રમાં ૧ જૂનથી ૧૮ સપ્‍ટેમ્‍બર વચ્‍ચે ૭૫૫.૯ મિમી વરસાદ નોંધાયો હતો, જ્‍યારે સામાન્‍ય રીતે આ સમયગાળામાં ૯૩૨.૩ મિમી વરસાદ થવો જોઈએ. આમ, રાજ્‍યમાં કુલ ૧૮.૮ ટકાની વરસાદની અછત નોંધાયો છે. આ અછત દરમિયાન અલ નિનોની સ્‍થિતિ પણ જોવા મળી હતી.

(3:54 PM IST)