<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

મહારાષ્ટ્રના ધારાશિવમાં દુષ્કાળ જેવા એંધાણ: વરસાદ ખેંચાતાં સોયાબીનનો પાક સંપૂર્ણ નિષ્ફળ, ખેડૂતો પાયમાલ થવાની આરે!

મહિનાથી વધુ સમયથી કોરોધાકોર ચોમાસું: પ્રતિ એકર ૨૫-૩૦ હજારનો ખર્ચ માથે પડતાં સાંસદ ઓમપ્રકાશ રાજે નિંબાળકરે સરકારી સહાયની કરી ઉગ્ર માંગ

છત્રપતિ સંભાજી નગર : મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લામાં સોયાબીનની ખેતી કરતા હજારો ખેડૂતો માટે આ વર્ષનું ચોમાસું આફતરૂપ સાબિત થયું છે. છેલ્લા ૩૦ થી ૩૫ દિવસથી વરસાદનો એક છાંટો પણ ન વરસતાં સમગ્ર જિલ્લામાં સોયાબીનનો ઊભો પાક સંપૂર્ણપણે મુરઝાઈને નાશ પામ્યો છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે જો હવે મુશળધાર વરસાદ પડે તો પણ ખેડૂતો માટે કશું બચે તેમ નથી. શિવસેનાના સાંસદ ઓમપ્રકાશ રાજે નિંબાળકરે ધારાશિવના ક્ષતિગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધા બાદ ખેડૂતોની ભયાનક સ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.

 

સાંસદ નિંબાળકરે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ખેડૂતોએ પ્રતિ એકરે આશરે ૨૫ થી ૩૦ હજાર રૂપિયાનો જંગી વાવણી ખર્ચ કર્યો હતો, પરંતુ સતત તડકા અને પાણીના અભાવે આખો પાક નિષ્ફળ ગયો છે. ઉત્પાદન તો દૂરની વાત, ખેડૂતો પોતાની મૂળ લાગત પણ વસૂલ કરી શકે તેમ નથી. આ તરફ બેંકના કર્મચારીઓ અને ખાનગી શાહુકારો ખેડૂતો પાસે વ્યાજ અને લોનની વસૂલાત માટે દબાણ કરી રહ્યા છે, જેના કારણે ખેડૂતો અને તેમના પરિવારો પર માનસિક ત્રાસનો પહાડ તૂટી પડ્યો છે.

 

સરકારમાં હોવા છતાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવતા સાંસદ નિંબાળકરે ભારપૂર્વક કહ્યું કે, ૨૧ દિવસ સુધી વરસાદ ન પડે તો પાક વીમાના નિયમો મુજબ ખેડૂતો વળતર માટે પાત્ર બને છે. તેમણે રાજ્ય સરકાર પાસે માંગ કરી છે કે ધારાશિવના તમામ અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક ધોરણે સીધી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે. જો સરકારી ધોરણે વહેલી તકે મદદ જાહેર નહીં કરાય તો આ પ્રદેશમાં ખેડૂતોની આત્મહત્યાના કિસ્સાઓ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

 

 

(5:59 PM IST)