News of Sunday, 2nd August 2026
ડ્રગ મુકત યુવા જ વિકસીત ભારતની સૌથી મોટી તાકાત છેઃ નરેન્દ્રભાઇ
દેશવ્યાપી નશામુકત યુવા ફોર વિકસીત ભારત સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવતા પીએમ મોદીઃ ૧૦૦ અઠવાડીયામાં દેશના ખુણે-ખુણે પહોંચશે પહેલ

નવી દિલ્હીઃ દેશભરમાં એકસાથે લાખો નહીં, કરોડો યુવાનો એક જ સંકલ્પ સાથે જોડાયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવી પહેલ શરૂ કરી છે, જે આગામી 100 સપ્તાહ સુધી દેશના દરેક ખૂણે પહોંચશે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે 2 ઓગસ્ટના રોજ દેશવ્યાપી નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન'**નો પ્રારંભ કરાવ્યો. માદક દ્રવ્યોના દુરુપયોગ સામે જનજાગૃતિ ફેલાવવા અને યુવાનોને નશામુક્ત જીવન માટે પ્રેરિત કરવાના ઉદ્દેશ સાથે શરૂ કરાયેલા આ અભિયાનમાં દેશભરમાં 1 કરોડથી વધુ યુવાનો જોડાયા. વડાપ્રધાને વર્ચ્યુઅલ માધ્યમથી દેશના યુવાનોને સંબોધન કરીને નશાથી દૂર રહેવા અને વિકસિત ભારતના નિર્માણમાં સક્રિય યોગદાન આપવા અપીલ કરી હતી. દેશભરમાં 28 હજારથી વધુ સ્થળોએ પ્રતિજ્ઞા કાર્યક્રમો યોજાયા, જ્યારે ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રીની હાજરીમાં રાજ્યસ્તરીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં દીપ પ્રાગટ્ય સાથે અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો.
આ અભિયાનને માત્ર એક દિવસની જાગૃતિ પહેલ નહીં પરંતુ સતત 100 સપ્તાહ સુધી ચાલનારા રાષ્ટ્રીય જનઆંદોલન તરીકે તૈયાર કરવામાં આવ્યું છે. આગામી 100 અઠવાડિયા સુધી દર રવિવારે દેશભરમાં યુવા-નેતૃત્વ હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાશે. તેનો મુખ્ય હેતુ યુવાનોમાં સ્વસ્થ જીવનશૈલી, સામાજિક જવાબદારી અને નશામુક્ત સમાજ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. રમતગમત સ્પર્ધાઓ, વોકેથોન, ધ્યાન સત્રો, સાંસ્કૃતિક કાર્યક્રમો, કલા સ્પર્ધાઓ, શેરી નાટકો અને જનજાગૃતિ અભિયાનો દ્વારા સમાજને માદક દ્રવ્યોના દુષ્પરિણામો અંગે માહિતગાર કરવામાં આવશે. આ અભિયાન 'મારું ભારત' પહેલના નેતૃત્વ હેઠળ દેશના દરેક ગામ, શહેર અને નગર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
અભિયાનમાં 'મારું ભારત', નેશનલ સર્વિસ સ્કીમ (NSS), યુવા ક્લબો, શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, બિનસરકારી સંસ્થાઓ (NGO), ઔદ્યોગિક સંગઠનો તેમજ 125થી વધુ આધ્યાત્મિક સંસ્થાઓ સક્રિય રીતે ભાગ લેશે. આ પહેલનો ઉદ્દેશ્ય માત્ર જાગૃતિ ફેલાવવાનો જ નહીં પરંતુ યુવાનોને રાષ્ટ્રનિર્માણના મિશન સાથે જોડવાનો પણ છે. અભિયાન દરમિયાન 50મા, 75મા અને 100મા સપ્તાહે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા સ્વયંસેવકો અને સંસ્થાઓને સન્માનિત કરવામાં આવશે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ પણ દેશના યુવાનોને આ અભિયાનમાં સક્રિય સહભાગી બનવા અને નશામુક્ત ભારતના સંકલ્પને જનઆંદોલનમાં ફેરવવા અપીલ કરી છે.
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું કે "ડ્રગ-મુક્ત યુવા જ વિકસિત ભારતની સૌથી મોટી તાકાત છે." તેમણે યુવાનોને માત્ર નશાથી દૂર રહેવાની નહીં પરંતુ પોતાના પરિવાર, મિત્રો અને સમાજને પણ નશામુક્ત જીવન માટે પ્રેરિત કરવાની અપીલ કરી. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે યુવા શક્તિને સકારાત્મક દિશામાં આગળ વધારવાનો છે. સરકારનું માનવું છે કે કરોડો યુવાનોની સક્રિય ભાગીદારીથી માદક દ્રવ્યોના દુરુપયોગ સામે અસરકારક જનચળવળ ઊભી થઈ શકે છે અને સ્વસ્થ, સુરક્ષિત તથા સમૃદ્ધ ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન મળી શકે છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
