<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

ડ્રગ માફિયા સલીમ ડોલાની ઘરપકડ: તુર્કીમાં 'હમઝા' બનીને છુપાયો હતો દાઉદનો સાગરીત, બલ્ગેરિયાના પાસપોર્ટ પર ખેલતો હતો આંતરરાષ્ટ્રીય ડ્રગ્સની રમત

ઈન્ટરપોલની રેડ કોર્નર નોટિસ બાદ તુર્કીમાં ઝડપાયો, મુંબઈની કોર્ટે ૮ મે સુધી એનસીબીની કસ્ટડીમાં મોકલ્યો

નવી દિલ્હી, તા.૦૧:આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલા મોહમ્મદ સલીમ ડોલાને આખરે તુર્કીથી ભારત લાવવામાં આવ્યો છે. લાંબા સમયથી ફરાર આ ડ્રગ તસ્કર તુર્કીમાં પોતાની ઓળખ છુપાવીને 'હમઝા' નામે રહી રહ્યો હતો. તપાસકર્તાઓએ જણાવ્યું કે, સલીમ ડોલા ત્યાં બલ્ગેરિયાના પાસપોર્ટ પર વસવાટ કરતો હતો. જોકે, આ પાસપોર્ટ અસલી હતો કે નકલી, તે અંગે હાલ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

 

દાઉદ ઈબ્રાહિમ સાથેના કનેક્શનનો ખુલાસો ૫૯ વર્ષીય સલીમ ડોલાનું નામ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્ક સાથે પણ સંકળાયેલું છે. તપાસ એજન્સીએ મુંબઈની કોર્ટને જાણકારી આપી હતી કે, જૂન ૨૦૨૩માં દક્ષિણ મુંબઈમાંથી જપ્ત કરવામાં આવેલા 'મેફેડ્રોન' ડ્રગ્સના જથ્થાનો તે મુખ્ય સપ્લાયર હતો. ભારતની વિવિધ તપાસ એજન્સીઓ ડ્રગ્સ તસ્કરીના અનેક કેસોમાં તેની શોધખોળ કરી રહી હતી.

 

ઈન્ટરપોલની મદદથી થઈ ધરપકડ સલીમ ડોલા વિરુદ્ધ ભારત સરકારની વિનંતી પર માર્ચ ૨૦૨૪માં ઈન્ટરપોલ દ્વારા 'રેડ કોર્નર નોટિસ' જાહેર કરવામાં આવી હતી. આ નોટિસના આધારે જ તુર્કીમાં તેની ધરપકડ કરવામાં આવી અને મંગળવારે તેને દિલ્હી લાવવામાં આવ્યો હતો. મુંબઈની સ્થાનિક અદાલતે ગુરુવારે ડોલાને ૮ મે સુધી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ની કસ્ટડીમાં સોંપવાનો આદેશ આપ્યો છે.

 

આ ધરપકડથી આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટ અને ખાસ કરીને દાઉદ ગેંગના ડ્રગ નેટવર્કને મોટો ફટકો પડવાની શક્યતા છે.

(5:37 PM IST)