હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સૂકા નદીના પટને કારણે કર્ણાટક માટે મુશ્કેલીઓ વધી: કાવેરી જળ નિયમન સમિતિના આદેશ કરતાં બમણું પાણી છોડવા મજબૂર બનવું પડશે!
બિલીગુંડલુ ગેજ પોઈન્ટ સુધી પાણી પહોંચતા પહેલા જ રસ્તામાં શોષાઈ જાય છે મોટો જથ્થો; નબળા ચોમાસા અને જળાશયોમાં ઓછો સંગ્રહ હોવા છતાં કર્ણાટક સામે સર્જાયું મોટું સંકટ.

બેંગલુરુ : કાવેરી જળ વિવાદમાં કર્ણાટક સરકાર સામે વધુ એક મોટું સંકટ ઊભું થયું છે. કાવેરી જળ નિયમન સમિતિ (CWRC) દ્વારા આપવામાં આવેલા આદેશ મુજબ તમિલનાડુને નિશ્ચિત જથ્થામાં પાણી છોડવાનું છે, પરંતુ બિલીગુંડલુ માપન ગેજ સુધી પહોંચતા પહેલા નદીના પટ સૂકા હોવાને કારણે મોટા પ્રમાણમાં પાણીનું 'ટ્રાન્સમિશન લોસ' (નુકસાન) થઈ રહ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિષ્ણાતોનું માનવું છે કે કર્ણાટકે સીડબલ્યુઆરસીના આદેશ કરતાં લગભગ દોઢથી બે ગણું વધુ પાણી છોડવું પડશે, જેથી નિર્ધારિત જથ્થો સરહદ સુધી પહોંચી શકે.
૭,૦૦૦ ક્યુસેક સુધી પાણી છોડવાની ફરજ પડી શકે છે
તાજેતરમાં CWRC એ કાવેરી બેસિનની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ કર્ણાટકને ૧૫ દિવસ માટે તમિલનાડુને દરરોજ ૩,૫૦0 ક્યુસેક પાણી છોડવાનો આદેશ આપ્યો હતો. પરંતુ જળશાસ્ત્રીય નિષ્ણાતોના જણાવ્યા મુજબ, કર્ણાટક-તમિલનાડુ સરહદ પર આવેલા બિલીગુંડલુ ગેજ સુધી પાણી પહોંચતા પહેલાં સૂકા નદીના પટ, ભૂગર્ભજળ શોષણ અને ચેનલ સંબંધિત પરિબળોને કારણે પાણી રસ્તામાં જ ઘટી જાય છે. આ સ્થિતિમાં, જો તમિલનાડુને પૂરતું પાણી મળવું હોય તો કર્ણાટકે કૃષ્ણ રાજા સાગર (KRS) અને કાબિની જળાશયોમાંથી દરરોજ ૬,૦૦૦ થી ૭,૦૦૦ ક્યુસેક પાણી છોડવું પડી શકે છે.
જળાશયોમાં પાણીનો સંગ્રહ ચિંતાજનક સ્તરે
એક તરફ પાણી છોડવાનું દબાણ છે, તો બીજી તરફ નબળા ચોમાસાને કારણે કર્ણાટકના જળાશયોની હાલત દયનીય છે. કાવેરી બેસિનના ચાર મુખ્ય જળાશયોમાં સંયુક્ત સંગ્રહ તેમની કુલ ક્ષમતાના માત્ર ૫૫ ટકા જેટલો જ એટલે કે ૬૩.૨૩ TMC ફૂટ આસપાસ બચ્યો છે. ખાસ કરીને KRS જળાશયમાં તો પાણીનો જથ્થો તેની કુલ ક્ષમતાના માત્ર ૩૪ ટકા જ રહ્યો છે, જે ગત વર્ષની સરખામણીએ ઘણો ઓછો છે.
ચોમાસાની ખાધ અને કેચમેન્ટ વિસ્તારની સ્થિતિ
કર્ણાટક મોટે ભાગે દક્ષિણપશ્ચિમ ચોમાસા પર આધારિત છે, પરંતુ આ વર્ષે નબળા વરસાદને કારણે રાજ્યમાં આશરે ૩૫ ટકા જેટલી વરસાદની ખાધ નોંધાઈ છે. કાવેરી નદીના ઉદગમ સ્થાન ગણાતા કોડાગુ પ્રદેશમાં તો ૪૫ ટકા સુધીની વરસાદી અછત જોવા મળી છે, જેના કારણે નદી પ્રણાલીમાં કુદરતી પ્રવાહ ઘટી ગયો છે.
CWMA સમક્ષ અપીલ કરવા વિચારી રહી છે સરકાર
જળ સંસાધન મંત્રી કે. રામલિંગા રેડ્ડીના જણાવ્યા અનુસાર, કર્ણાટક સરકાર આ મામલે કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટી (CWMA) સમક્ષ અપીલ દાખલ કરવા પર વિચાર કરી રહી છે. રાજ્ય સરકાર જળાશયોમાં ઓછો પ્રવાહ, ભૂગર્ભજળના ઘટેલા સ્તર અને પીવાના પાણીની પ્રાથમિક જરૂરિયાતો જેવા ગંભીર મુદ્દાઓ રજૂ કરીને તમિલનાડુને છોડવામાં આવતા પાણીના જથ્થા પર પુનર્વિચાર કરવાની માંગ કરી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
