તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
દુબઈ ડ્યુટી ફ્રી પર ભારતીય પ્રવાસીઓ માટે ભેટ: UPI દ્વારા ખરીદી કરવા પર મળશે ૧૦ ટકા સુધીનું શાનદાર ડિસ્કાઉન્ટ
એનપીસીઆઈ ઇન્ટરનેશનલની નવી પહેલથી દુબઈ જનારા ભારતીય મુસાફરોને મળશે મોટી રાહત, કરન્સી એક્સચેન્જની ઝંઝટમાંથી મળશે મુક્તિ

દુબઈ, તા.૦૫: દુબઈની મુલાકાતે જતા લાખો ભારતીય પ્રવાસીઓ માટે એક અત્યંત આનંદદાયક સમાચાર સામે આવ્યા છે, જેઓ હવે દુબઈ ઇન્ટરનેશનલ અને અલ મકતુમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવેલા 'દુબઈ ડ્યુટી ફ્રી' આઉટલેટ્સ પર ખરીદી કરતી વખતે ભારતના લોકપ્રિય 'યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ' (UPI) નો ઉપયોગ કરીને ૧૦ ટકા સુધીનું આકર્ષક ડિસ્કાઉન્ટ મેળવી શકશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ની આંતરરાષ્ટ્રીય શાખા 'એનપીસીઆઈ ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ' (NIPL) દ્વારા શરૂ કરવામાં આવેલી આ સુવિધાથી પ્રવાસીઓ હવે સીધા પોતાના ભારતીય બેંક ખાતામાંથી જ પેમેન્ટ કરી શકશે.
આ ખાસ યોજના હેઠળ પાત્ર વ્યવહારો પર AED 100 સુધીનું વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, જેના કારણે પ્રવાસીઓએ વિદેશી ચલણ સાથે રાખવાની કે એરપોર્ટ પર કરન્સી એક્સચેન્જ કરવાની પરેશાનીનો સામનો કરવો પડશે નહીં. આ સેવાનો લાભ લેવા માટે મુસાફરોએ પોતાની યુપીઆઈ-સક્ષમ મોબાઇલ એપ્લિકેશન દ્વારા બેંક ખાતા માટે 'યુપીઆઈ ઇન્ટરનેશનલ' અથવા 'યુપીઆઈ ગ્લોબલ' સેવા સક્રિય કરવાની રહેશે, ત્યારબાદ તેઓ સરળતાથી ડિજિટલ ચૂકવણી કરી શકશે.
દુબઈ ડ્યુટી ફ્રીના સ્ટોર્સમાં ફેશન, બ્યુટી પ્રોડક્ટ્સ, ઇલેક્ટ્રોનિક્સ, કન્ફેક્શનરી, પીણાં, ઘડિયાળો અને ઘરેણાં જેવી અ અનેક વૈવિધ્યસભર વસ્તુઓ ઉપલબ્ધ છે, જ્યાં આ નવી સુવિધા ભારતીય ખરીદદારો માટે ખરીદીના અનુભવને વધુ સરળ અને ફળદાયી બનાવશે. આ સમગ્ર પ્રક્રિયાને સરળ બનાવવા માટે 'નેટવર્ક ઇન્ટરનેશનલ' એક્વાયરિંગ પાર્ટનર તરીકે કામ કરી રહી છે, જે પેમેન્ટ ટર્મિનલ્સ પર UPI ચૂકવણીની સુરક્ષિત અને ઝડપી પ્રક્રિયા સુનિશ્ચિત કરશે.
આ ભાગીદારી અંગે પોતાના વિચારો વ્યક્ત કરતા એનપીસીઆઈ ઇન્ટરનેશનલના એમડી અને સીઈઓ રિતેશ શુક્લાએ જણાવ્યું હતું કે ભારતથી દુબઈ જનારા પ્રવાસીઓ માટે આ એક પસંદગીનું સ્થળ છે, અને ક્રોસ બોર્ડર ચુકવણીઓને સ્થાનિક વ્યવહારો જેટલી જ સરળ બનાવવા માટે આ પહેલ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. નેટવર્ક ઇન્ટરનેશનલના ગ્રુપ સીઈઓ મુરત કાગરી સુઝરે પણ ઉમેર્યું હતું કે આનાથી યુએઈમાં ભારતીય પ્રવાસીઓ માટે ચુકવણીનું માળખું વધુ મજબૂત બનશે.
દુબઈ ડ્યુટી ફ્રીના મેનેજિંગ ડિરેક્ટર રમેશ સિદામ્બીએ જણાવ્યું હતું કે ભારતીય મુસાફરો તેમના ગ્રાહક આધારનો એક મોટો અને મહત્વપૂર્ણ હિસ્સો છે, અને આ નવી ડિજિટલ વ્યવસ્થાથી તેમનો એરપોર્ટ પરનો શોપિંગ અનુભવ વધુ આનંદદાયક બનશે. અગાઉ પણ વિદેશોમાં યુપીઆઈનો વ્યાપ વધારવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે, પરંતુ ડ્યુટી ફ્રી શોપિંગ પર આ પ્રકારની સીધી છૂટ મળવી એ ભારતીય ડિજિટલ અર્થતંત્ર માટે એક મોટી સિદ્ધિ છે.
આગામી સમયમાં આ પ્રકારની આંતરરાષ્ટ્રીય ભાગીદારીઓ દ્વારા ભારતીય મુસાફરોને વૈશ્વિક સ્તરે વધુ સુવિધાઓ મળતી રહેશે તેવી પ્રબળ સંભાવના છે. દુબઈના આ એરપોર્ટ્સ પર આવનારા દિવસોમાં વધુમાં વધુ ભારતીય પ્રવાસીઓ આ યુપીઆઈ ઓફરનો લાભ ઉઠાવશે અને ડિજિટલ ઇન્ડિયાના વિઝનને વૈશ્વિક સ્તરે વધુ મજબૂતી મળશે.
(5:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
