તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
‘ઇ-૨૦’ બન્યું ‘૪૨૦’, દેશના વાહનોની ટાંકીમાં શું ભરાઈ રહ્યું છે?: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર આકરો પ્રહાર
કર્ણાટકમાં પેટ્રોલ સેમ્પલ ટેસ્ટમાં ૨૦%થી વધુ ઇથેનોલનું પ્રમાણ મળતાં કોંગ્રેસ આક્રમક; લોકસભામાં વિપક્ષી નેતાએ વાહનોનું નુકસાન અને મોંઘવારીનો મુદ્દો ઉઠાવી વડાપ્રધાન મોદીને ખુલ્લી ડિબેટ માટે લલકાર્યા

નવી દિલ્હી: દેશભરમાં ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ નીતિ (E20 Fuel Policy) પર રાજકીય ધમાસાણ શરૂ થયું છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર કટાક્ષ કરતા આક્ષેપ કર્યો છે કે સરકાર જેને ‘ઇ-૨૦’ કહી રહી છે, તે વાસ્તવમાં જનતા સાથેની ‘૪૨૦’ (છેતરપિંડી) અને વાહનોમાંથી ખુલ્લેઆમ પેટ્રોલની ચોરી છે. આ સાથે જ તેમણે વડાપ્રધાન મોદીને નીતિઓ અને જનહિતના મુદ્દાઓ પર જાહેરમાં ચર્ચા (ડિબેટ) કરવા ફરી ચેલેન્જ ફેંકી છે.
લેબ રિપોર્ટના આધારે સવાલોનો બોમ્બ ફોડ્યો
રાહુલ ગાંધીએ કર્ણાટકના વિવિધ જિલ્લાઓમાંથી લેવાયેલા પેટ્રોલના સેમ્પલ ટેસ્ટિંગનો સંદર્ભ આપ્યો હતો. તેમણે દાવો કર્યો કે સરકારી નિયમ મુજબ અપાતા E20 પેટ્રોલમાં ઇથેનોલનું મર્યાદિત પ્રમાણ ૨૦ ટકા હોવું જોઈએ, પરંતુ લેબ ટેસ્ટમાં ૧૪માંથી ૧૧ સેમ્પલમાં ૨૦ ટકાથી વધુ અને કેટલાકમાં તો ૩૦ ટકાથી વધુ ઇથેનોલ મળી આવ્યું છે. આ પ્રકારની ગેરકાયદેસર મિલાવટમાં IOCL, HPCL, BPCL તેમજ ખાનગી તેલ કંપનીઓ સામેલ હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
જનતાના ખિસ્સા પર આર્થિક બોજ અને વાહનોની બરબાદી
કોંગ્રેસ નેતાએ દેશના વાહનચાલકોની ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે, સામાન્ય નાગરિકો મોંઘા ભાવનું પેટ્રોલ ખરીદી રહ્યા છે, પરંતુ તેમની ટાંકીમાં સસ્તું ઇથેનોલ ભરવામાં આવી રહ્યું છે. મોટાભાગના વાહનોના એન્જિન આટલી વધુ માત્રાનું ઇથેનોલ સહન કરવા માટે સક્ષમ (Designed) નથી હોતા, જેના કારણે:
માઇલેજમાં ઘટાડો: વાહનોની એવરેજ ઓછી થઈ રહી છે.
મેન્ટેનન્સ ખર્ચ: એન્જિન બગડવાના કારણે લોકોને વારંવાર ગેરેજ અને મેકેનિક પાસે દોડવું પડે છે.
માહિતીનો અભાવ: પેટ્રોલ પંપ પર ચોક્કસ કેટલું ઇથેનોલ મિશ્રિત છે તેનું કોઈ લેબલ કે ડિસ્પ્લે પણ મૂકવામાં આવતું નથી.
પીએમ મોદીને ૪ તીખા સવાલો અને ડિબેટની ચેલેન્જ
સરકારની ગ્રીન એનર્જી નીતિઓ પર સવાલ ઉઠાવતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પાસે સીધા જવાબ માગ્યા છે:
૧. મોદીજી, દેશના નાગરિકોના વાહનોની ટાંકીમાં વાસ્તવમાં શું ભરવામાં આવી રહ્યું છે?
૨. સરકારી કે ખાનગી પેટ્રોલમાં ખરેખર કેટલા ટકા ઇથેનોલનું મિશ્રણ છે?
૩. ૨૦ ટકાથી વધુ મિલાવટ કરીને જનતા સાથે છેતરપિંડી કરતી તેલ કંપનીઓ સામે કાર્યવાહી ક્યારે થશે?
૪. ગ્રાહકોને સ્પષ્ટ જાણકારી આપવા માટે પંપ પર લેબલિંગ શા માટે નથી કરાતું?
રાહુલ ગાંધીએ ઉમેર્યું કે, "મારી વડાપ્રધાન મોદીને આપેલી ખુલ્લી ડિબેટની પડકાર-ચુનોતી હજી પણ કાયમ છે. હવે આ ચર્ચામાં હું ઇથેનોલ મિલાવટનો મુદ્દો પણ ઉમેરીશ, જેથી દેશની જનતા જાણી શકે કે સરકારની નીતિઓથી ખરેખર ફાયદો કોને થઈ રહ્યો છે – જનતાને કે કંપનીઓને?"
આ નિવેદન બાદ દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને ઓઇલ કંપનીઓ તેમજ કેન્દ્ર સરકાર તરફથી સ્પષ્ટતા સામે આવે તેવી શક્યતા જોવા મળી રહી છે.
(5:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
