News of Tuesday, 12th May 2026
CBSE બોર્ડના લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો આવશે અંત: ગમે ત્યારે જાહેર થઈ શકે છે ધોરણ 12નું પરિણામ, ડિજીલોકર પર 'કમિંગ સૂન'ના મેસેજથી ઉત્તેજના વધી!
ડિજિટલ માર્કિંગ સિસ્ટમ સાથે આ વર્ષે ભૂલોને ફૂલ-સ્ટોપ: 18.5 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ભાવિ નક્કી થશે, સત્તાવાર વેબસાઇટ અને ઉમંગ એપ પર પણ સ્કોરકાર્ડ જોઈ શકાશે - જાણો કેવી રીતે તપાસશો તમારું પરિણામ?

નવી દિલ્હી, તા. 12: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધોરણ 12ના પરિણામો જાહેર કરવાની ઘડીઓ ગણાઈ રહી છે. ડિજીલોકર પોર્ટલ પર "કમિંગ સૂન" (ટૂંક સમયમાં આવી રહ્યું છે) ના મેસેજ લાઈવ થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અટકળો સેવાઈ રહી છે કે બોર્ડ આજે અથવા કાલે ગમે ત્યારે સત્તાવાર વેબસાઇટ પર લિંક એક્ટિવ કરી શકે છે. આ વર્ષે 18.5 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ પ્રવાહમાં પરીક્ષા આપી હતી, જે બોર્ડના ઇતિહાસમાં સૌથી મોટી બેચ માનવામાં આવે છે.
પરિણામ ક્યાં અને કેવી રીતે તપાસવું?
પરિણામ જાહેર થયા પછી, વિદ્યાર્થીઓ નીચેની વેબસાઇટ્સ પર જઈને વિગતો મેળવી શકશે:
· cbseresults.nic.in
· results.cbse.nic.in
· cbse.gov.in
· digilocker.gov.in
વિદ્યાર્થીઓએ તેમનું પરિણામ જોવા માટે રોલ નંબર, સ્કૂલ નંબર અને એડમિટ કાર્ડ ID તૈયાર રાખવાના રહેશે. આ ઉપરાંત, ભારત સરકારની 'ઉમંગ' (UMANG) એપ પર પણ પરિણામની સીધી લિંક ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ડિજીલોકર પર સુરક્ષિત માર્કશીટ
CBSE એ આ વખતે પણ ડિજીલોકર (DigiLocker) ના માધ્યમથી ડિજિટલ માર્કશીટ અને પ્રમાણપત્રો આપવાની વ્યવસ્થા કરી છે. વિદ્યાર્થીઓ તેમના આધાર નંબર અથવા મોબાઈલ નંબરથી લોગ-ઈન કરીને ઓરિજિનલ માર્કશીટ ડાઉનલોડ કરી શકશે, જે પ્રવેશ પ્રક્રિયામાં સંપૂર્ણપણે માન્ય રહેશે. જે વિદ્યાર્થીઓએ APAAR ID માટે નોંધણી કરાવી છે, તેમની માર્કશીટ આપમેળે તેમના લોકરમાં જમા થઈ જશે.
આ વર્ષે શું છે નવું?
બોર્ડે આ વખતે 'ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમ' (OSM) અપનાવી છે, જેમાં શિક્ષકોએ ઉત્તરવહીઓનું ડિજિટલ મૂલ્યાંકન કર્યું છે. આ ટેકનોલોજીના કારણે માર્કસના સરવાળામાં થતી ભૂલો સંપૂર્ણપણે નાબૂદ થશે અને પુનઃમૂલ્યાંકનની પ્રક્રિયા પણ ઘણી સરળ બનશે.
નકલી લિંક્સથી સાવધ રહેવાની ચેતવણી
પરિણામ જાહેર થવાની અણીએ સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર અનેક નકલી લિંક્સ અને "લીક થયેલા પરિણામો"ના દાવાઓ ફરી રહ્યા છે. CBSE એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે વિદ્યાર્થીઓએ માત્ર સત્તાવાર પોર્ટલ પર જ વિશ્વાસ કરવો જોઈએ, જેથી તેમની વ્યક્તિગત માહિતી ચોરાઈ જવાનો ભય ન રહે.
નોંધનીય છે કે 2025માં પરિણામ 13 મેના રોજ જાહેર થયું હતું અને પાસ થવાની ટકાવારી 88.39% રહી હતી. આ વર્ષે પણ વિદ્યાર્થીઓ સારા દેખાવની આશા રાખી રહ્યા છે. શાળાઓને પરિણામના દિવસે 'બલ્ક લોગિન'ની સુવિધા પણ આપવામાં આવશે જેથી વિદ્યાર્થીઓને પરિણામ મેળવવામાં મુશ્કેલી ન પડે.
(5:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
