હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારતમાં અડધી રાત્રે બે વખત ધ્રૂજી ધરતી
મહારાષ્ટ્રથી લઈને ૪ દેશોમાં પણ ભૂકંપના આંચકા

નવી દિલ્હી તા.૩૧: ભારતમાં શનિવારે મધરાતે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં બે વખત ભૂકંપના આંચકા નોંધાયા હતા. પહેલો ભૂકંપ રાત્રે ૧૨:૫૪ વાગ્યે આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૨ નોંધાઈ હતી. ત્યારબાદ રાત્રે ૧:૩૦ વાગ્યે ફરી ધરતી ધ્રૂજી હતી અને તેની તીવ્રતા ૨.૧ હતી. આ ઉપરાંત અફઘાનિસ્તાન, તિબેટ, મ્યાનમાર અને બાંગ્લાદેશમાં પણ ભૂકંપના આંચકા નોંધાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)ના આંકડા અનુસાર, ૩૧ ઓક્ટોબરની સવાર સુધીમાં આ વિસ્તારોમાં કુલ ૬ ભૂકંપ નોંધાયા હતા. જોકે, અત્યાર સુધી કોઈ પણ સ્થળે જાનમાલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ૩૧ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ રાત્રે ૧૨ વાગીને ૫૪ મિનિટ અને ૪૫ સેકન્ડે પહેલો ભૂકંપ નોંધાયો હતો. તેની તીવ્રતા ૩.૨ હતી અને તેનું કેન્દ્ર જમીનથી આશરે ૭ કિલોમીટરની ઊંડાઈએ હતું. આ ઘટનાના લગભગ ૩૬ મિનિટ બાદ એટલે કે રાત્રે ૧ વાગીને ૩૦ મિનિટ અને ૪૨ સેકન્ડે ફરી ભૂકંપ આવ્યો હતો. આ વખતે તેની તીવ્રતા ૨.૧ નોંધાઈ હતી. તેનું કેન્દ્ર જમીનથી માત્ર ૫ કિલોમીટરની ઊંડાઈએ હતું. આ રીતે પાલઘર જિલ્લામાં લગભગ અડધા કલાકના અંતરે બે વખત ધરતી ધ્રૂજી હતી. બંને ભૂકંપની તીવ્રતા ૪થી ઓછી હતી.
મહારાષ્ટ્ર ઉપરાંત અફઘાનિસ્તાન અને ચીનના તિબેટ વિસ્તારમાં પણ ભૂકંપના આંચકા નોંધાયા હતા. અફઘાનિસ્તાનમાં શનિવારે સવારે ૩ વાગીને ૪૮ મિનિટ અને ૧૫ સેકન્ડે ભૂકંપ આવ્યો હતો. તેની તીવ્રતા ૪.૦ નોંધાઈ હતી. જોકે, તેનું કેન્દ્ર જમીનથી આશરે ૧૯૭ કિલોમીટર ઊંડે હતું. આના થોડા જ મિનિટ બાદ સવારે ૩ વાગીને ૫૫ મિનિટ અને ૧૪ સેકન્ડે તિબેટ વિસ્તારમાં પણ ભૂકંપ નોંધાયો હતો. અહીં પણ ભૂકંપની તીવ્રતા ૪.૦ હતી, જ્યારે તેનું કેન્દ્ર જમીનથી આશરે ૧૫ કિલોમીટરની ઊંડાઈએ હતું.
ભૂકંપના આંચકા મ્યાનમાર અને બાંગ્લાદેશમાં પણ નોંધાયા હતા. મ્યાનમારમાં ભૂકંપની તીવ્રતા ૩.૩ હતી અને તેનું કેન્દ્ર જમીનથી આશરે ૧૦૮ કિલોમીટર ઊંડે હતું. ત્યારબાદ બાંગ્લાદેશમાં પણ ભૂકંપ નોંધાયો હતો. તેની તીવ્રતા ૩.૪ હતી અને તેનું કેન્દ્ર જમીનથી આશરે ૨૫ કિલોમીટરની ઊંડાઈએ હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
