News of Saturday, 10th October 2026
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ૪.૨ તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા : લોકોમાં ફેલાયો ભય
ધરતીની સપાટીથી ૧૧ કિલોમીટર નીચે નોંધાયું કેન્દ્ર : હાલમાં જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી : તંત્ર દ્વારા જાગૃતિ માટે દર મહિનાની ૯ તારીખે સાયરન વગાડવાનો નિર્ણય

દેહરાદૂન: ઉત્તરકાશી જિલ્લામાં શનિવારે રાત્રે ૮ વાગ્યે ને ૭ મિનિટે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા, જેના કારણે સ્થાનિક નાગરિકોમાં થોડીવાર માટે ભારે ગભરાહટ અને અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો અને ડરના માર્યા લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર) ના જણાવ્યા અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૨ માપવામાં આવી હતી અને તેનું કેન્દ્ર ધરતીની સપાટીથી ૧૧ કિલોમીટર નીચે સ્થિત હતું.
રાહતની વાત એ છે કે અત્યાર સુધી આ કુદરતી આપત્તિને કારણે કોઈપણ પ્રકારના જાનમાલ કે સંપત્તિના નુકસાનના કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી. ઉત્તરકાશી સહિત ઉત્તરાખંડ રાજ્યનો મોટો હિસ્સો અત્યંત સંવેદનશીલ હિમાલય ક્ષેત્ર અને ભૂકંપની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ ઝોનમાં આવેલો હોવાથી તંત્ર સતત એલર્ટ મોડ પર છે. ઉત્તરાખંડ રાજ્ય આપત્તિ પ્રબંધન વિભાગ (USDMA) ના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે હાલમાં સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને કોઈ નુકસાનના અહેવાલ નથી.
ભૂકંપ પ્રત્યે જાગૃતિ માટે વિશેષ નિર્ણય:
ઉલ્લેખનીય છે કે ગત મંગળવારે રાત્રે ચમોલી જિલ્લામાં પણ ૪.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના આંચકા દિલ્હી-એનસીઆર અને ઉત્તર ભારતના અન્ય હિસ્સાઓ તેમજ દહેરાદૂન સુધી અનુભવાયા હતા. આ સતત આવતી ભૂકંપની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ સરકાર દ્વારા નાગરિકોને જાગૃત કરવા અને ભૂકંપ પૂર્વ ચેતવણી પ્રણાલીની નિયમિત ચકાસણી કરવા માટે હવેથી દર મહિનાની ૯ તારીખે સવારે ૧૧ વાગ્યે ભૂકંપનો સાયરન વગાડવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા નાગરિકોને 'ભૂદેવ' અને 'સચેત' એપ્લિકેશનના અપડેટેડ વર્ઝન મોબાઇલમાં રાખવા અને લોકેશન ઇનેબલ કરવાની અપીલ કરવામાં આવી છે તેમજ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ૯ તારીખે સાયરન વાગે ત્યારે લોકોએ ઘબરાવાની જરૂર નથી.
(10:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
