<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

નાણાકીય અપરાધો સામે ED એક અભેદ કવચ: ૭૦માં સ્થાપના દિવસ પર કેન્દ્રીય મંત્રી પંકજ ચૌધરીનું મોટું નિવેદન, ૨.૩૬ લાખ કરોડની સંપત્તિ જપ્ત

ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ: બેન્કો અને રોકાણકારોને ૬૩ હજાર કરોડ રૂપિયા પરત અપાવ્યા, સાયબર ફ્રોડ અને ક્રિપ્ટો કરન્સીના વધતા જોખમો સામે લાલબત્તી

 નવી દિલ્હી: નવી દિલ્હી ખાતે આયોજિત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના ૭૦માં સ્થાપના દિવસની ઉજવણીમાં કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ ED ને દેશની અર્થવ્યવસ્થાનું રક્ષણ કરતું 'અભેદ કવચ' ગણાવ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ED ને આપવામાં આવેલી સત્તાઓ મની લોન્ડરિંગ, હવાલા ટ્રાન્ઝેક્શન અને કોર્પોરેટ ફ્રોડ જેવા ગંભીર આર્થિક ગુનાઓને નાથવા માટે છે, નહીં કે કોઈ વ્યક્તિગત નિશાન બનાવવા માટે.

રોકાણકારોને નાણાં પરત અપાવવામાં મોટી સફળતા

મંત્રીએ ED ની કામગીરીના આંકડા રજૂ કરતા જણાવ્યું કે ૩૧ માર્ચ ૨૦૨૬ સુધીમાં એજન્સીએ અંદાજે ૨.૩૬ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. સૌથી મહત્વની વાત એ છે કે, તેમાંથી ૬૩ હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ તેના સાચા માલિકો, જેમાં બેન્કો, રોકાણકારો અને ઘર ખરીદનારાઓનો સમાવેશ થાય છે, તેમને પરત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર ભ્રષ્ટાચાર સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ પર અડગ હોવાનું તેમણે પુનરોચ્ચાર કર્યો હતો.

બદલાતા ગુનાઓ અને નવી પડકારો

ED ના ડાયરેક્ટર રાહુલ નવીને કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું કે હવે નાણાકીય ગુનાઓનું સ્વરૂપ બદલાયું છે. બેન્ક ફ્રોડથી આગળ વધીને હવે ક્રિપ્ટોકરન્સી ફ્રોડ, સાયબર ક્રાઈમ, ટેરર ફાઇનાન્સિંગ અને ડ્રગ્સની હેરાફેરી જેવા પડકારો સામે આવ્યા છે. એજન્સી આ નેટવર્કને તોડવા માટે તેમના આર્થિક મૂળ પર પ્રહાર કરવાની વ્યૂહરચના અપનાવી રહી છે.

આંતરરાષ્ટ્રીય સહયોગ અને વિસ્તરણ

ભારત હવે એન્ટી-મની લોન્ડરિંગ પ્રયાસોમાં વૈશ્વિક સ્તરે મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આ પ્રસંગે મંત્રીએ જયપુર ઝોનલ ઓફિસનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. કાર્યક્રમમાં મહેસૂલ સચિવ અરવિંદ શ્રીવાસ્તવ અને એડિશનલ સોલિસિટર જનરલ સૂર્યપ્રકાશ વી. રાજુ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સાયબર ફ્રોડને રોકવા માટે કેન્દ્રીય એજન્સીઓ વચ્ચે વધુ મજબૂત સહકારની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

(8:32 PM IST)