<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

મની લોન્‍ડ્રિંગ કેસમાં જપ્ત કરેલા વિમાનની EDએ હરાજી કરી : ૧૪ કરોડના પ્‍લેનના ખાલી ૩ કરોડ મળ્‍યા

પ્‍લેન ૭ માર્ચ ૨૦૨૫ના રોજ હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી જપ્ત કર્યું હતું

હૈદરાબાદ તા.૪: બંપર રિટર્નની લાલચ આપીને લોકો પાસેથી કરોડો રૂપિયાની છેતરપિડી કરવાના આરોપમાં ફસાયેલી કંપની વિરુદ્ધ ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્‍સીએ પહેલી વાર પોતાના કબજામાં લીધેલું એક પ્‍લેનની હરાજી કરી ઇતિહાસ રચી દીધો છે. ખાસ વાત એ છે કે જે હોકર 800A પ્‍લેનની કિમત લગભગ ૧૪ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે, તેને હરાજીમાં ખાલી ૩ કરોડમાં વેચી દીધું. આ રકમનો ઉપયોગ રોકાણકારોને પૈસા પાછા આપવામાં થશે.

ઈડીના જણાવ્‍યા અનુસાર, આ પ્‍લેન ૭ માર્ચ ૨૦૨૫ના રોજ હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી જપ્ત કર્યું હતું. આ કાર્યવાહી કેપિટલ પ્રોટેક્‍શન ફોર્સ પ્રાઈવેટ લિમિટેડના સીએમડી અમરદીપ કુમાર સહિત અન્‍ય લોકો વિરુદ્ધ ચાલી રહેલા મની લોન્‍ડ્રિંગના કેસમાં કરી હતી. તપાસ એજન્‍સીએ જણાવ્‍યું કે, પ્‍લેનને લાંબા સમય સુધી બંધ રાખવાથી તેની કિમત ઘટી રહી હતી. આવા સમયે પીએમએલએ પ્રાધિકરણે તેને વેચવાની મંજૂરી માગી હતી. ૨૦ નવેમ્‍બર ૨૦૨૫ના રોજ મંજૂરી મળ્‍યા બાદ ૧ જુલાઈ ૨૦૨૬ના રોજ એમએસટીસી લિમિટેડ દ્વારા તેની બોલી લગાવવામાં આવી. આ હરાજીમાં ઈડીને ૩ કરોડની રિકવરી થઈ છે.

ઈડીની તપાસ અનુસાર, કેપિટલ પ્રોટેક્‍શન ફોર્સ પ્રાઈવેટ લિમિટેડે નકલી ઇનવોઇસ ડિસ્‍કાઉન્‍ટિંગ સ્‍કીમના નામ પર લોકો પાસેથી લગભગ ૭૯૨ કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. કંપનીએ રોકાણકારોને ઓછા સમયમાં વધારે નફો આપવાનો વાયદો કર્યો હતો. તપાસમાં સામે આવ્‍યું છે કે કંપની પાસે આવો કોઈ બિઝનેસ હતો જ નહીં. આરોપ છે કે લોકોના પૈસા અલગ અલગ રીતે ઉપયોગ થતા હતા. આ મામલો સાયબરાબાદની આર્થિક અપરાધ શાખામાં નોંધાયેલી ત્રણ ફરિયાદ દ્વારા ઈડી સુધી પહોંચ્‍યો હતો. આ મામલામાં ત્રણ લોકોની ધરપકડ પણ થઈ ચૂકી છે. તેમાં અમરદીપના ભાઈ સંદીપ કુમાર, ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ શરદ ચંદ્ર તોષણીવાલ અને ફાલ્‍કન ઇનવોઇસ ડિસ્‍કાઉન્‍ટિંગના સીઈઓ આર્યન સિહ છાબડા પણ સામેલ છે.

ઈડીનું કહેવું છે કે, પ્‍લેનની હરાજીમાં મળેલી ૩ કરોડ રૂપિયાની રકમ સ્‍પેશિયલ કોર્ટની મંજૂરી મળ્‍યા બાદ અસલી રોકાણકારોને વળતર તરીકે પાછા આપવામાં આવશે. એજન્‍સીનું કહેવું છે કે તેનો ઉદ્દેશ્‍ય ખાલી આરોપીઓની સંપત્તિ જપ્ત કરવાનો નથી, પણ પીડિત રોકાણકારોને રાહત અપાવવાનો પણ છે. આ મામલામાં ઈડીએ ૨૯ સપ્‍ટેમ્‍બર ૨૦૨૫ના રોજ સ્‍પેશિયલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. એજન્‍સીનું કહેવું છે કે તપાસ હાલમાં ચાલુ છે. આગળ પણ જરૂર પડશે તો કાર્યવાહી થશે.

(9:58 AM IST)