<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

2022 કોઈમ્બતુર કાર બોમ્બ વિસ્ફોટ કેસમાં ED નું મોટું સર્ચ ઓપરેશન: ટેરર ફંડિંગ કનેક્શન સામે 16 સ્થળોએ દરોડા!

નકલી કોવિડ વેક્સિન સર્ટિફિકેટ રેકેટ અને અરબી કોલેજના નામે ઉઘરાવ્યા હતા પૈસા: ચેન્નાઈ, હૈદરાબાદ, મુંબઈ અને કોઈમ્બતુરમાં તપાસ એજન્સીઓના ધામા

ચેન્નાઈ, તા.30: વર્ષ 2022 માં તમિલનાડુના કોઈમ્બતુર સ્થિત સંગમેશ્વર મંદિર પાસે થયેલા ભયાનક આત્મઘાતી કાર બોમ્બ વિસ્ફોટ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ટેરર ફંડિંગ અને મની લોન્ડરિંગના તાર શોધવા માટે મંગળવારે મોટું ઓપરેશન હાથ ધર્યું છે. એજન્સીએ ચેન્નાઈ, કોઈમ્બતુર, હૈદરાબાદ અને મુંબઈ સહિત 16 જેટલા મહત્વપૂર્ણ સ્થળોએ એકસાથે સર્ચ ઓપરેશન અને દરોડા પાડ્યા છે.
તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, ઓક્ટોબર 2022 માં આત્મઘાતી બોમ્બર જેમેશા મુબીન દ્વારા વિસ્ફોટકોથી ભરેલી મારુતિ કારનો ઉપયોગ કરીને આતંકવાદી સંગઠન ISIS થી પ્રેરિત થઈને આ હુમલો કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા નોંધાયેલી FIR ના આધારે ED એ મની લોન્ડરિંગ પાસાની તપાસ શરૂ કરી હતી, જેમાં આતંકવાદી પ્રવૃત્તિઓ માટે નાણાં એકત્ર કરવાના બે સનસનાટીભર્યા ષડયંત્રોનો પર્દાફાશ થયો છે.
તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ આતંકવાદી ભંડોળ એકત્ર કરવા માટે રોગચાળા દરમિયાન 'નકલી કોવિડ-19 રસીકરણ પ્રમાણપત્ર'નું મોટું રેકેટ ચલાવ્યું હતું, જેમાં રસી લીધા વગર સર્ટિફિકેટ મેળવવા માંગતા લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં સામેલ 'કોવાઈ અરેબિક કોલેજ'ના નામે મેળવેલા દાન અને છેતરપિંડીભર્યા રોકાણો દ્વારા પણ આતંકી ફંડિંગ ભેગું કરવામાં આવ્યું હતું. ED ની આ કાર્યવાહીથી આતંકી નેટવર્કને આર્થિક મદદ પૂરી પાડતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

(5:38 PM IST)