<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

અંડરવર્લ્ડ ડોન દાઉદના સાથી સલીમ ડોલાના ડ્રગ્સ સિન્ડિકેટ પર ઈડીનો પ્રચંડ પ્રહાર : મની લોન્ડરિંગ કેસમાં મુંબઈ અને ગુજરાતના ૨૦ સ્થળોએ એકસાથે દરોડા

ગુજરાતના સુરત, અંકલેશ્વર અને રાજકોટ સહિતના ઠેકાણાઓ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનું સર્ચ ઓપરેશન : ઈન્ટરપોલની મદદથી તુર્કીથી લવાયેલા ૫૯ વર્ષના સલીમ ઇસ્માઇલ ડોલાના કરોડોના હવાલા નેટવર્ક અને બેનામી સંપત્તિઓ પર તપાસનો સિંજો

મુંબઈ:દેશભરમાં ડ્રગ્સની હેરાફેરી અને તેના દ્વારા કમાયેલા કાળા નાણાંને ધોળા કરવાના મની લોન્ડરિંગના મસમોટા નેટવર્ક વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મંગળવારે સવારથી એક અત્યંત મોટું અને ગુપ્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના અત્યંત નજીકના સાથી ગણાતા અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત નશીલા પદાર્થોનું સિન્ડિકેટ ચલાવતા સલીમ ઈસ્માઈલ ડોલાના ડ્રગ્સ સામ્રાજ્ય પર ઈડીની મુંબઈ ઝોનલ ઓફિસ દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), ૨૦૦૨ ની કડક જોગવાઈઓ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઓપરેશન અંતર્ગત દેશના આર્થિક પાટનગર મુંબઈ ઉપરાંત ગુજરાતના સુરત, અંકલેશ્વર અને રાજકોટ સહિત અંદાજે ૨૦ જેટલા વ્યૂહાત્મક સ્થળો પર એકસાથે દરોડા પાડીને તપાસનો ધમધમાટ તેજ કરાયો છે.

સિન્થેટિક ડ્રગ્સ બનાવતી કેમિકલ ફેક્ટરીઓ અને હવાલા ઓપરેટરો ઈડીના નિશાના પર

ઈડીના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, આ મેગા ઓપરેશનનો મુખ્ય હેતુ સલીમ ડોલા દ્વારા સંચાલિત ડ્રગ્સ નેટવર્કના નાણાકીય માળખાને સંપૂર્ણપણે ધ્વસ્ત કરવાનો છે. આ તપાસના કેન્દ્રમાં દેશમાં સૌથી વધુ દુરુપયોગ થતા સિન્થેટિક ડ્રગ્સ 'મેફેડ્રોન' (MD) નું ઉત્પાદન અને વિતરણ કરતા તત્વો સામેલ છે. ઈડીની ટીમો દ્વારા નશીલા પદાર્થો બનાવવા માટે વપરાતા પ્રીકર્સર કેમિકલના સપ્લાયર્સ, મોટા કેમિકલ વેપારીઓ, ડ્રગ્સના સ્મગલરો, ગેરકાયદેસર નાણાકીય લેવડદેવડ કરતા હવાલા ઓપરેટરો તેમજ ડ્રગ્સની કમાણીમાંથી ખરીદાયેલી બેનામી સંપત્તિઓ ધરાવતા શંકાસ્પદ લોકોના રહેણાંક અને વ્યાપારી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે.

તુર્કીથી એક્સ્ટ્રાડિશન કરીને ભારત લવાયેલા સલીમ ડોલાનો ઈતિહાસ

મુંબઈના ડોંગરી વિસ્તારનો વતની ૫૯ વર્ષનો સલીમ ડોલા વર્ષ ૨૦૧૮ થી ભારતીય એજન્સીઓની આંખમાં ધૂળ નાખીને નાસતો ફરતો હતો. ભારત સરકારની વિનંતી પર તેની સામે ઈન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ પણ જારી કરવામાં આવી હતી. તપાસકર્તાઓનો આરોપ છે કે તે ઈસ્તાંબુલ (તુર્કી) ખાતે બેસીને નકલી પ્રવાસ દસ્તાવેજો અને જુદી જુદી ખોટી ઓળખ ઊભી કરીને ત્યાંથી પોતાનું વૈશ્વિક ડ્રગ્સ નેટવર્ક ઓપરેટ કરતો હતો. જો કે, તાજેતરમાં જ એપ્રિલ મહિનામાં ભારતીય સુરક્ષા એજન્સીઓ, ઈન્ટરપોલ અને તુર્કીના સત્તાવાળાઓના સંયુક્ત ઓપરેશન બાદ તેને તુર્કીથી ડિપોર્ટ (એક્સ્ટ્રાડિશન) કરીને ભારત લાવવામાં સફળતા મળી હતી.

એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાઓ પરથી શરૂ થઈ તપાસ

સલીમ ડોલા અને તેના સાથીદારો વિરુદ્ધ મુંબઈમાં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની વિવિધ કડક જોગવાઈઓ હેઠળ અનેક એફઆઈઆર (FIR) નોંધાયેલી છે, જેને આધારે ઈડીએ મની લોન્ડરિંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન એજન્સીને જાણવા મળ્યું કે આ સિન્ડિકેટ ગુપ્ત પ્રયોગશાળાઓમાં સિન્થેટિક ડ્રગ્સ તૈયાર કરવા માટે કેમિકલ મેળવતું હતું, ત્યારબાદ આ માદક પદાર્થોને અલગ-અલગ રાજ્યોમાં સપ્લાય કરવામાં આવતા હતા અને તેનાથી થતો કરોડો રૂપિયાનો નફો બિનસત્તાવાર નાણાકીય ચેનલો દ્વારા સગેવગે કરાતો હતો.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને સગા-સંબંધીઓની મિલકતો પર પણ સ્કેનર

ઈડીના અધિકારીઓએ જણાવ્યું કે વર્તમાન દરોડામાં ડ્રગ્સના વેપારમાંથી કમાયેલા ગુનાહિત નાણાંને છુપાવવા અને તેને અલગ-અલગ સ્તરે રોકાણ (લેયરિંગ) કરવામાં મદદ કરનારા નાણાકીય મદદગારો, એકાઉન્ટન્ટ્સ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CAs) ની ભૂમિકાની પણ સઘન તપાસ થઈ રહી છે. એજન્સીને શંકા છે કે ગુનાની આ મસમોટી રકમને પક્ષકારો, ફ્રન્ટ એન્ટિટી અને બેનામીદારોના નામે ભારતમાં તેમજ વિદેશોમાં સ્થાવર અને જંગમ મિલકતો ખરીદવા માટે રોકવામાં આવી છે. હાલમાં સલીમ ડોલાના નજીકના સંબંધીઓ, મિત્રો અને ભાગીદારોના નામે ખરીદાયેલી તમામ મિલકતોના દસ્તાવેજો ઈડીના સ્કેનર હેઠળ છે અને દરોડા દરમિયાન મળી આવેલા નાણાકીય વ્યવહારોના ચોપડાઓની તપાસ ચાલી રહી છે.

(10:38 PM IST)