<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

ટેરર ફંડિંગ અને ગેરકાયદેસર ઘૂસણખોરીના દેશવ્યાપી નેટવર્ક પર EDની ત્રાટક: દિલ્હી, યુપી, બંગાળ સહિત ૧૩ સ્થળોએ મેગા દરોડા

બનાવટી ભારતીય દસ્તાવેજોના આધારે રોહિંગ્યા-બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી કરાવતા સિન્ડિકેટનો પર્દાફાશ; ચેરિટેબલ ટ્રસ્ટના નામે આવતા વિદેશી ફંડિંગમાંથી ૪૦ લાખની રોકડ અને સોનાના સિક્કા જપ્ત

નવી દિલ્હી : દેશની આંતરિક સુરક્ષાને જોખમાવતા ટેરર ફંડિંગ અને ગેરકાયદેસર ઘૂસણખોરીના એક બહુ મોટા આંતરરાજ્ય નેટવર્ક પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આજે વહેલી સવારથી જ ધોંસ બોલાવી છે. તપાસ એજન્સી દ્વારા દેશના ચાર રાજ્યોમાં આવેલા કુલ ૧૩ સંવેદનશીલ સ્થળો પર એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ મેગા દરોડા દરમિયાન પશ્ચિમ બંગાળની એક ધાર્મિક સંસ્થામાંથી લાખોની રોકડ અને સોનાના સિક્કા મળી આવતા તપાસચક્રો ગતિમાન થયા છે.

ED દ્વારા પશ્ચિમ બંગાળના કોલકાતા, ઉત્તર ૨૪ પરગણા, દક્ષિણ ૨૪ પરગણા અને મુર્શિદાબાદ સહિત હરિયાણાના ફરીદાબાદ (બલ્લભગઢ), ઉત્તર પ્રદેશના સહારનપુર (દેવબંદ) અને દેશની રાજધાની દિલ્હીના વિવિધ શંકાસ્પદ અડ્ડાઓ પર આ દરોડા પાડવામાં આવ્યા છે.

ક્યાંથી ઉદ્ભવ્યો આ સમગ્ર મામલો?

આ હાઇપ્રોફાઇલ કેસની શરૂઆત ઉત્તર પ્રદેશ એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (UP ATS) દ્વારા નોંધવામાં આવેલી એક એફઆઈઆર (FIR) પરથી થઈ છે. યુપી એટીએસની તપાસમાં બહાર આવ્યું હતું કે એક અત્યંત સંગઠિત અને સક્રિય સિન્ડિકેટ ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશી નાગરિકો અને રોહિંગ્યાઓને ભારતીય સરહદમાં ઘૂસાડવાનું કામ કરી રહી છે. આ સિન્ડિકેટ માત્ર ઘૂસણખોરી જ નથી કરાવતી, પરંતુ આ વિદેશીઓને ભારતમાં કાયમી વસવાટ કરાવવા માટે નકલી અને બનાવટી ભારતીય ઓળખ દસ્તાવેજો (જેવા કે બોગસ આઈડી કાર્ડ) પણ બનાવી આપતી હતી અને દેશના જુદા જુદા ભાગોમાં તેમના પુનર્વસનની કાળાબજારી સંભાળતી હતી.

મદ્રેસામાંથી ૪૦ લાખની રોકડ અને સોનાના સિક્કા ઝડપાયા

દરોડાની કાર્યવાહી દરમિયાન પશ્ચિમ બંગાળના કલિકપુર ખાતે આવેલી 'હરોરા અલ-જમિયાતુલ ઇસ્લામિયા દારુલ ઉલૂમ' નામની સંસ્થામાં સર્ચ ઓપરેશન દરમિયાન એજન્સીને મોટી સફળતા મળી છે. અહીંથી અધિકારીઓએ અંદાજે ૪૦ લાખ રૂપિયાની બિનહિસાબી રોકડ અને કિંમતી સોનાના સિક્કા જપ્ત કર્યા છે, જેનો ઉપયોગ ઘૂસણખોરીની પ્રવૃત્તિઓમાં થતો હોવાની આશંકા છે.

ચેરિટેબલ ટ્રસ્ટો અને બેંક ખાતાઓનું માયાળું નેટવર્ક

EDની પ્રાથમિક તપાસમાં એક ચોંકાવનારા અને ઊંડા મૂળ ધરાવતા આર્થિક નેટવર્કનો ખુલાસો થયો છે. દેશમાં કાર્યરત કેટલાક કથિત ચેરિટેબલ ટ્રસ્ટો અને સેવાભાવી સંસ્થાઓ આ નેટવર્કના નામે વિદેશોમાંથી મોટું ફંડિંગ (ડોનેશન) મેળવી રહી હતી. આ વિદેશી નાણાંને કાયદેસર દર્શાવવા માટે તેને અસંખ્ય બેંક ખાતાઓ અને 'મ્યુલ એકાઉન્ટ્સ' (બીજાના નામે ખોલાવેલા ડમી ખાતાઓ) માં ફેરવવામાં આવતા હતા. શંકાસ્પદ લાભાર્થીઓ અને દેશવિરોધી તત્વો સુધી પૈસા પહોંચાડવા માટે મોટા પાયે રોકડ ઉપાડ અને નાના-નાના ટ્રાન્ઝેક્શન્સનો આશરો લેવાતો હતો જેથી બેન્કિંગ સિસ્ટમની નજરમાં ન આવી શકાય. હાલમાં ED આ તમામ ખાતાઓ ફ્રીઝ કરીને આગળની કડક કાનૂની કાર્યવાહી કરી રહી છે.

(6:31 PM IST)