News of Wednesday, 2nd September 2026
ઓનલાઈન સટ્ટાબાજી અને મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી: મહારાષ્ટ્ર, ગુજરાત સહિત ચાર રાજ્યોમાં ૧૨ સ્થળોએ ધામા
ગેરકાયદેસર સટ્ટાબાજી પ્લેટફોર્મ 'પરિમેચ' વિરુદ્ધ તપાસનો વ્યાપ વધ્યો; કેશ મેનેજમેન્ટ સિસ્ટમ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને પેમેન્ટ ગેટવે શંકાના ઘેરામાં

મુંબઈ : સાયપ્રસ સ્થિત ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મ 'પરિમેચ' (Parimatch) અને તેના સહયોગીઓ સામે મની લોન્ડરિંગના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સકંજા વધુ કસવામાં આવ્યો છે. EDએ બુધવારે મહારાષ્ટ્ર, દિલ્હી-NCR, રાજસ્થાન અને ગુજરાત સહિત ચાર રાજ્યોમાં કુલ ૧૨ જેટલા સ્થળો પર એકસાથે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી હેઠળ મહારાષ્ટ્રમાં પાંચ, દિલ્હી-NCRમાં ચાર, રાજસ્થાનમાં બે અને ગુજરાતમાં એક જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, આ દરોડા દરમિયાન ચુકવણી કંપનીઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CAs) અને કંપની સેક્રેટરીઓ (CSs) ના પરિસરોની સઘન તપાસ કરવામાં આવી છે. શંકા છે કે સટ્ટાબાજી દ્વારા એકત્ર કરાયેલી માતબર રકમને રોકડમાં રૂપાંતરિત કરવા માટે કેશ મેનેજમેન્ટ સિસ્ટમ (CMS) એજન્ટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, નકલી ઓવરસીઝ ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (ODI) અને ગેરકાયદેસર રેમિટન્સ દ્વારા દેશની બહાર નાણાંની હેરાફેરી કરવાના કાવતરાનો પણ પર્દાફાશ થયો છે.
એક વર્ષમાં ૩,૦૦૦ કરોડથી વધુની કમાણી અને ખચ્ચર ખાતાઓનું નેટવર્ક
મુંબઈના સાયબર પોલીસ સ્ટેશન દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆરના આધારે શરૂ થયેલી આ તપાસમાં ખુલાસો થયો છે કે આ પ્લેટફોર્મે માત્ર એક જ વર્ષમાં સટ્ટાબાજીની પ્રવૃત્તિઓ દ્વારા રૂ. ૩,૦૦૦ કરોડથી વધુની કમાણી કરી હતી. યુઝર્સના નાણાં એકત્ર કરવા અને તેને ફેરવવા માટે 'ખચ્ચર એકાઉન્ટ્સ' (Mule Accounts) તથા જટિલ પેમેન્ટ નેટવર્કનો ઉપયોગ કરવામાં આવતો હતો. અગાઉ મે મહિનામાં હાથ ધરાયેલી રેડ દરમિયાન EDએ આશરે રૂ. ૧.૫૬ કરોડની સંપત્તિ જપ્ત કરી હતી અને અનેક બેંક ખાતાઓને સીલ કર્યા હતા. પ્લેટફોર્મ દ્વારા સોશિયલ મીડિયા, ક્વિક-કોમર્સ એપ્સ અને સ્થાનિક ક્રિકેટ લીગ્સના માધ્યમથી આક્રમક માર્કેટિંગ કરીને યુવાનોને આકર્ષવામાં આવતા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.
(8:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
