તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
ખાદ્ય તેલની આયાતનું બિલ ૨૪ ટકા વધીને બે લાખ કરોડ રૂપિયે પહોંચ્યું
૨૦૨૫-૨૬ના ઓઇલ યરમાં આયાત ૬ ટકા વધીને ૧.૬૯ કરોડ ટન થઈ; પામ ઓઇલની ખરીદીમાં વધારો

ભારતમાં ખાદ્ય તેલની આયાત ૨૦૨૫-૨૬ના વર્ષમાં ૬ ટકા વધીને ૧.૬૯ કરોડ ટન થઈ હતી. જોકે આયાત પાછળનું બિલ ૨૪ ટકા વધીને આશરે બે લાખ કરોડ રૂપિયા થયું હતું. સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ અસોસિએશન ઓફ ઇન્ડિયા (SEA)એ જાહેર કરેલા આંકડામાં આ માહિતી મળી હતી. અગાઉના ઓઇલ યર ૨૦૨૪-૨૫માં ૧.૬૦ કરોડ ટન ખાદ્ય તેલની આયાત થઈ હતી અને એના માટે આશરે ૧.૬૧ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.
બિનખાદ્ય વનસ્પતિ તેલ સહિતની કુલ આયાત પણ પાંચ ટકા વધીને ૧.૭૨ કરોડ ટન થઈ હતી. ભારતમાં સ્થાનિક ઉત્પાદન અને માગ વચ્ચેનું અંતર પૂરવા ૧૯૯૦ના દાયકાથી ખાદ્ય તેલની આયાત કરવામાં આવે છે. છેલ્લાં ૨૦ વર્ષમાં આયાતનું પ્રમાણ ૨.૮ ગણું થયું છે, જ્યારે એના પર થતો ખર્ચ લગભગ ૧૫ ગણો વધ્યો છે.
આ સમયગાળામાં રિફાઇન્ડ તેલની આયાત ઘટીને ૮.૨ લાખ ટન થઈ હતી, જ્યારે ક્રૂડ ખાદ્ય તેલની આયાત વધીને ૧.૬૧ કરોડ ટન થઈ હતી. પામ ઑઇલની આયાત ૮૨.૩ લાખ ટન થઈ હતી. ૧ નવેમ્બરે બંદરો અને સપ્લાય-ચેઇનમાં મળીને ખાદ્ય તેલનો કુલ જથ્થો ૨૩.૧ લાખ ટન હોવાનો અંદાજ છે.
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
