<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th November 2026

રહેજા ડેવલપર્સ વિરુદ્ધ EDની મોટી કાર્યવાહી: ૧,૩૫૩ કરોડના મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટ દાખલ

ઘર ખરીદદારો અને રોકાણકારોના નાણાં બારોબાર વાળવા બદલ પ્રમોટર્સ સહિત ૨૧ આરોપીઓ સામે દિલ્હીની વિશેષ PMLA કોર્ટમાં સકંજો

મુંબઈ: દેશના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મોટો ધડાકો કરતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 'રહેજા ડેવલપર્સ લિમિટેડ' (RDL), તેના પ્રમોટર્સ નવીન એમ. રહેજા, નયન એન. રહેજા સહિત ૧૮ અન્ય લોકો વિરુદ્ધ કરોડો રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં પ્રોસિક્યુશન ફરિયાદ (ચાર્જશીટ) દાખલ કરી છે. દિલ્હી અને ગુરુગ્રામના રહેણાંક તથા વ્યાપારી પ્રોજેક્ટ્સમાં આશરે ૪,૬00 ઘર ખરીદદારો અને રોકાણકારો પાસેથી એકત્ર કરાયેલા ₹૧,૩૫૩.૨૬ કરોડના ભંડોળમાં મોટી ગેરરીતિ આચરવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ૬ નવેમ્બરના રોજ દિલ્હીની સાકેત સ્થિત સ્પેશિયલ PMLA કોર્ટમાં ૨૧ આરોપીઓ સામે આ ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે.

EDની તપાસ મુજબ, RDLએ 'રહેજા રેવંતા', 'એટલાન્ટિસ', 'નવીન મિનાર' અને 'ધ દિલ્હી મોલ' જેવા પ્રોજેક્ટ્સ માટે ખરીદદારો પાસેથી ₹૨,૬૯૯.૧૩ કરોડ એકત્ર કર્યા હતા, પરંતુ બાંધકામ પૂરું કરવાને બદલે ₹૧,૧૭૫.૮૬ કરોડ પ્રોજેક્ટ અને RERA એકાઉન્ટ્સમાંથી બારોબાર અન્યત્ર વાળી લીધા હતા. આ ઉપરાંત ₹૧૭૭.૪૦ કરોડ રોકડમાં વસૂલવામાં આવ્યા હતા. આ રીતે વાળેલા નાણાં કર્મચારીઓના નામે ચાલી રહેલી શેલ કંપનીઓમાં મોકલી જમીનો ખરીદવામાં આવી હતી. દિલ્હી પોલીસની EOW અને ગુરુગ્રામ પોલીસની FIR બાદ તપાસમાં ઉતરેલી EDએ ૨૩ સ્થળોએ દરોડા પાડીને ડિજિટલ પુરાવા, સોનું અને વિદેશી ચલણ જપ્ત કર્યું હતું.

આ ગંભીર કૌભાંડમાં કાર્યવાહી કરતા એજન્સીએ ૨૮ એપ્રિલ, ૧૫ જૂન અને ૩૦ જુલાઈ ૨૦૨૬ના રોજ આદેશો જારી કરીને ૨,૩૯૯.૬૫ કરોડ રૂપિયાની વર્તમાન બજાર કિંમત ધરાવતી સ્થાવર મિલકતો કામચલાઉ ધોરણે જપ્ત કરી હતી. હવે આ મિલકતોને કાયમી ધોરણે જપ્ત (confiscation) કરવા માટે કોર્ટ સમક્ષ માંગણી કરવામાં આવી છે. બીજી તરફ, પ્રમોટર્સ નવીન રહેજા, નયન રહેજા, નયના સિંઘાનિયા અને નિર્મલ રહેજા સમન્સનો અનાદર કરીને તપાસથી ભાગતા ફરતા હોવાથી EDએ તેમની સામે બિન-જામીનપાત્ર વોરંટ (NBW) મેળવવા અરજી કરી છે.

અગાઉ ૧૫ ઓક્ટોબરે દિલ્હી હાઈકોર્ટે નયન રહેજાની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હોવાથી આરોપીઓ પર ધરપકડની તલવાર લટકી રહી છે. તપાસ એજન્સી દ્વારા સ્પેશિયલ કોર્ટ સમક્ષ આરોપીઓની કસ્ટડી મેળવવા માટે પણ કાયદાકીય કવાયત તેજ કરવામાં આવી છે. કરોડો રૂપિયા ગુમાવનારા હજારો પીડિત ઘર ખરીદદારોને પોતાના યુનિટ્સ કે નાણાં પાછા અપાવવા માટે વહીવટી તંત્ર અને ED દ્વારા આગામી દિવસોમાં કડક વસુલાત પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

(3:58 PM IST)