<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની મોટી જાહેરાત: ૨૧ જૂનની NEET ફેરપરીક્ષાને ૧૦૦% ભૂલમુક્ત બનાવવા સરકાર કટિબદ્ધ

પેપર લીક અને પરીક્ષા માફિયાઓ સામે કેન્દ્ર સરકારે લીધા ‘કઠિન નિર્ણયો’; મંત્રીએ સ્વીકાર્યું- ૨૨ લાખ વિદ્યાર્થીઓ ભારે માનસિક વેદનામાંથી પસાર થયા

નવી દિલ્હી, તા.૨૨: દેશભરમાં ભારે વિવાદ જગાવનારા NEET-UG પરીક્ષા કૌભાંડ બાદ કેન્દ્ર સરકાર હવે એક્શન મોડમાં આવી ગઈ છે. નવી દિલ્હીમાં આયોજિત ‘જાગરણ ભારત શિક્ષણ સંમેલન ૨૦૨૬’ ને સંબોધતા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શુક્રવારે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, પરીક્ષાના સંચાલનમાં ગેરરીતિઓ સામે આવ્યા બાદ સરકારે મક્કમતાપૂર્વક કેટલાક કઠિન નિર્ણયો લેવા પડ્યા છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે પરીક્ષા માફિયાઓના કારણે દેશના એક પણ લાયક અને મહેનતુ વિદ્યાર્થીએ પોતાની હકની મેડિકલ બેઠક ગુમાવવી ન પડે.
વિદ્યાર્થીઓની માનસિક વેદના માટે સરકાર જવાબદાર
શિક્ષણ મંત્રીએ પરીક્ષા રદ થવાને કારણે દેશના લાખો પરિવારો પર થયેલી અસરનો સ્વીકાર કરતા ભાવુક સૂર રેખાંકિત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, “આ વિવાદને કારણે દેશના લગભગ ૨૨ લાખ જેટલા નિર્દોષ બાળકો ભારે માનસિક તણાવ અને વેદનામાંથી પસાર થયા છે. તેમની આ તકલીફને ખૂબ જ ગંભીરતાથી લઈને અને તેની પૂરી નૈતિક જવાબદારી સ્વીકારીને જ અમે આ કડક પગલાં ભર્યા છે. આંખો બંધ કરીને સમસ્યાથી ભાગી જવું એ અમારી કાર્યશૈલી નથી.”
૨૧ જૂનની પરીક્ષા અગ્નિપરીક્ષા સમાન, કોઈ ચૂક નહીં ચલાવાય
ધર્મેન્દ્ર પ્રધાને ખાતરી આપી હતી કે આગામી ૨૧ જૂનના રોજ યોજાનારી NEET-UG ની ફેરપરીક્ષા સંપૂર્ણપણે પારદર્શક અને ‘૧૦૦ ટકા ભૂલમુક્ત’ (Error-free) રહે તે સુનિશ્ચિત કરવા માટે શિક્ષણ મંત્રાલય રાત-દિવસ કામ કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, “આગામી પરીક્ષાનું સરળ અને સુરક્ષિત સંચાલન એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને આ વખતે સુરક્ષા કે આયોજનમાં કોઈ પણ પ્રકારની નાની સરખી ખામી પણ ચલાવી લેવામાં આવશે નહીં.”
પેપર લીકના માસ્ટરમાઇન્ડ સીબીઆઈના સિકંજામાં
ઉલ્લેખનીય છે કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત ૩ મેના રોજ લેવાયેલી મેડિકલ પ્રવેશ પરીક્ષામાં મોટા પાયે પેપર લીક અને મૂલ્યાંકનમાં ચેડાં થયા હોવાના પુરાવા મળ્યા બાદ સરકારે આખી પરીક્ષા રદ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. આ સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે હાલમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ખૂબ જ ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે.
સરકાર પર વિરોધ પક્ષો અને જનતા દ્વારા થઈ રહેલી આકરી ટીકાઓનો જવાબ આપતા મંત્રીએ કહ્યું કે, “અમે ટીકાઓ અને પડકારોનો સામનો કરવા સંપૂર્ણ તૈયાર છીએ. શિક્ષણ પ્રણાલીમાં ઘૂસી ગયેલા ભ્રષ્ટાચારના દૂષણને સાફ કરવાની અને સમગ્ર સિસ્ટમને સુધારવાની જવાબદારી અમારી જ છે, અને અમે તે નિભાવીને જ જંપીશું.”

(5:38 PM IST)