હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આઠમું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓના ન્યૂનતમ વેતનમાં ચાર ગણો વિરાટ વધારો કરી ₹૭૨,૦૦૦ કરવા અને ૪.૦ ના ફિટમેન્ટ ફેક્ટર માટે મજબૂત રજૂઆત!
બીપીએમએસ દ્વારા આઠમા પગાર પંચ સમક્ષ પાંચ સભ્યોના પરિવારની જીવનજરૂરિયાતો તથા દેશની માથાદીઠ આવકને ધ્યાને રાખી ગણતરીબદ્ધ માંગણીઓ રજૂ કરાઈ; સરકારી તિજોરી પરના બોજને સમજી વ્યાજબી અને વાસ્તવિક ધોરણો અપનાવવાની અપીલ

નવી દિલ્હી: દેશના એક કરોડથી પણ વધુ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે આઠમા પગાર પંચની ભલામણોને લઈને ભારે ઉત્સુકતાનો માહોલ છવાયેલો છે. આ કમિશન સમક્ષ વિવિધ કર્મચારી સંગઠનો દ્વારા પોતપોતાના પ્રસ્તાવ મૂકવામાં આવી રહ્યા છે, જેમાં સંરક્ષણ ક્ષેત્રના કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતા 'ભારતીય પ્રતિરક્ષા મજદૂર સંઘ' (BPMS) દ્વારા રજૂ કરવામાં આવેલી માંગણી સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની છે. સંઘે આઠમા પગાર પંચ સમક્ષ કેન્દ્રીય કર્મચારીઓની ન્યૂનતમ મૂળભૂત સેલરી (બેઝિક પે) પ્રવર્તમાન ₹૧૮,૦૦૦ થી વધારીને સીધી ₹૭૨,૦૦૦ પ્રતિ માસ કરવાની અને ફિટમેન્ટ ફેક્ટર ૪.૦ નક્કી કરવાની માંગ કરી છે. જો આ પ્રસ્તાવ સ્વીકારવામાં આવે તો કર્મચારીઓના ન્યૂનતમ વેતનમાં સીધો ૪૦૦ ટકાનો વધારો થશે.
ભારતીય પ્રતિરક્ષા મજદૂર સંઘે આટલા મોટા પગાર વધારા પાછળના વૈજ્ઞાનિક અને આંકડાકીય કારણો પણ દર્શાવ્યા છે. સંસ્થાના જણાવ્યા મુજબ, આ ગણતરી માટે આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) ના નેશનલ ઇનકમ ડેટાને આધાર બનાવવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૬-૧૭ માં દેશની માથાદીઠ ચોખ્ખી રાષ્ટ્રીય આવક ₹૧,૦૩,૨૧૯ હતી, જે ૨૦૨૪-૨૫ માં વધીને ₹૧,૯૨,૭૭૪ થઈ ગઈ છે. આમ, એક દાયકા કરતા પણ ઓછા સમયમાં રાષ્ટ્રીય આવકમાં ૮૬.૭૬ ટકાથી વધુનો નોંધપાત્ર ઉછાળો આવ્યો છે.
આ ઉપરાંત, ૭મા પગાર પંચમાં માત્ર ૩ સભ્યોના પરિવાર આધારિત ગણતરી કરવામાં આવી હતી, જ્યારે બીપીએમએસ દ્વારા માંગ કરવામાં આવી છે કે વર્તમાન સમયની સામાજિક-આર્થિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આ વખતે ગણતરી માટે પાંચ સભ્યોના પરિવારના ધોરણને સ્વીકારવામાં આવે. જો ૧૫મી ઇન્ડસ્ટ્રિયલ લેબર કોન્ફરન્સ (ILC) ના નિયમો અને ૫ સભ્યોના પરિવારના વાસ્તવિક ખર્ચના ડેટાને ચોક્કસ રીતે જોડવામાં આવે તો ન્યૂનતમ પગાર ₹૮૮,૫૨૪.૨૪ થાય છે. પરંતુ, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો તેમજ પેન્શનરોના ભંડોળ પર પડનારા વ્યાપક નાણાકીય બોજને ધ્યાનમાં રાખીને એક વાસ્તવિક અને સંતુલિત અભિગમ તરીકે ₹૭૨,૦૦૦ નું ન્યૂનતમ વેતન પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે.
બીપીએમએસ તરફથી ફિટમેન્ટ ફેક્ટર ૪.૦ રાખવાની ભલામણ પાછળ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ ફેક્ટરમાં મોંઘવારી ભથ્થા (DA) ના ન્યુટ્રલાઇઝેશન માટે ૧.૫૮ નો હિસ્સો સમાવિષ્ટ છે. જ્યારે બાકીનો ભાગ કર્મચારીઓના વાસ્તવિક જીવનસ્તરને સન્માનજનક બનાવવા માટે જરૂરી ચોખ્ખા વધારાને દર્શાવે છે. આ સાથે જ, વાર્ષિક પગાર વધારા (ઈન્ક્રીમેન્ટ) નો દર હાલના ૩ ટકાથી વધારીને ૬ ટકા કરવાની પણ જોરદાર માંગ કરવામાં આવી છે.
પ્રસ્તાવિત પે મેટ્રિક્સમાં નીચલા સ્તરના ગ્રેડ પેના એકીકરણ (મર્જર) ની પણ ભલામણ કરવામાં આવી છે. સંઘે લેવલ ૨ અને ૩, લેવલ ૪ અને ૫ તેમજ લેવલ ૯ અને ૧૦ ને પરસ્પર મર્જ કરવાનો સુઝાવ આપ્યો છે. નવી યોજના મુજબ, લેવલ ૧ ના કર્મચારીનો પ્રારંભિક પગાર ₹૭૨,૦૦૦ થશે, જ્યારે લેવલ ૧૮ ના સર્વોચ્ચ અધિકારીનો મૂળ પગાર પ્રવર્તમાન ₹૨,૫૦,૦૦૦ થી વધીને સીધો ₹૧૦,૦૦,૦૦૦ પ્રતિ માસ સુધી પહોંચી જશે.
બીજી તરફ, નેશનલ કૌન્સિલ જેસીએમ (NC-JCM) સ્ટાફ સાઇડ અને ભારત પેન્શનર્સ સમાજ જેવા અન્ય મુખ્ય સંસ્થાઓએ ૩.૮૩૩ ના ફિટમેન્ટ ફેક્ટર સાથે ₹૬૯,૦૦૦ ના ન્યૂનતમ વેતનની દાવેદારી નોંધાવી છે. જ્યારે મિનિસ્ટ્રીયલ સ્ટાફ એસોસિએશને ૩.૬૧ ના ફેક્ટર સાથે ₹૬૫,૦૦૦ ની માંગણી કરી છે. હાલમાં પગાર પંચની ટીમ દેશભરમાં વિવિધ હિતધારકો અને કર્મચારી મંડળો સાથે પરામર્શ બેઠકો યોજી રહી છે, જેના ભાગરૂપે આગામી સમયમાં વિવિધ શહેરોમાં વધુ ચર્ચાઓ યોજાનાર છે. નાણાકીય નિષ્ણાતોના મતે સરકાર અંતે કર્મચારીઓની જરૂરિયાતો અને સરકારી તિજોરી પરની નાણાકીય અસર વચ્ચે સંતુલન જાળવીને જ આખરી નિર્ણય લેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
