<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

ઇઝરાયલમાં નવી કટોકટી સરકાર રચવા આઇઝનકોટનો ચાર મુદ્દાની ફોર્મ્યુલા : હમાસનો ખાત્મો અને તમામ નાગરિકો માટે રાષ્ટ્રીય સેવા ફરજિયાત

રાજકીય પક્ષો સાથે મંત્રણામાં નોંધપાત્ર પ્રગતિનો દાવો : નેતન્યાહુની કાર્યકારી સરકાર સામે આકરા પ્રહારો

જેરુસલેમ, તા. ૭ : ઇઝરાયલમાં રાજકીય પરિવર્તન માટે પ્રયાસો કરી રહેલા ગાડી આઇઝનકોટે રાષ્ટ્રીય કટોકટી સરકાર રચવાનો ચાર મુદ્દાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. તેમણે ૬ નવેમ્બરે જણાવ્યું હતું કે ઇઝરાયલ ગંભીર રાજકીય અને સુરક્ષાકીય પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. નવી સરકાર ઝડપથી રચાય તે જરૂરી છે. તેમના જણાવ્યા પ્રમાણે વિવિધ પક્ષો સાથે લાંબી મંત્રણાઓમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.

આઇઝનકોટે નવી સરકારમાં જોડાવા ઇચ્છતા પક્ષો માટે ચાર શરતો મૂકી છે. ઇઝરાયલને યહૂદી અને લોકશાહી રાષ્ટ્ર તરીકે સ્વીકારવું, સ્વતંત્રતાની ઘોષણાના મૂલ્યોનું પાલન કરવું, તમામ નાગરિકો માટે લશ્કરી અથવા રાષ્ટ્રીય કે નાગરિક સેવા ફરજિયાત બનાવવી અને હમાસને આતંકવાદી સંગઠન માની તેની લશ્કરી તથા શાસનક્ષમતાનો અંત લાવવો.

તેમણે નેતન્યાહુ સરકાર પર લોકશાહી સંસ્થાઓને નુકસાન પહોંચાડવાના આક્ષેપો કરતાં જણાવ્યું કે સત્તાપરિવર્તન અટકાવવાના પ્રયાસો દેશ માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આઇઝનકોટે એવો પણ દાવો કર્યો કે સંસદના ૭૪ સભ્યોએ નેતન્યાહુને ચાલુ રાખવાની ભલામણ કરી નથી. જોકે આ તમામ ૭૪ સભ્યો નવી સરકારને સમર્થન આપે છે એવો તેનો અર્થ થતો નથી. આગામી દિવસોમાં સરકાર રચવાના પ્રયાસો નિર્ણાયક તબક્કામાં પ્રવેશશે. 

(9:39 AM IST)