તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st April 2026
પીએમ મોદીને 'અપશબ્દ' કહેતા ખડગે વિરુદ્ધ ભાજપ પહોંચ્યું ચૂંટણી પંચ: દેશભરમાં વિવાદ
ખડગેના ચેન્નાઈમાં આપેલા નિવેદન બાદ આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘનનો આરોપ લગાવી રિજિજુ અને પીયૂષ ગોયલે કરી કડક કાર્યવાહીની માંગ

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના એક વિવાદાસ્પદ નિવેદને દેશના રાજકારણમાં ભૂકંપ લાવી દીધો છે. ચેન્નાઈમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના ગઠબંધન પર નિશાન સાધતા 'આતંકવાદી' શબ્દનો પ્રયોગ કર્યો હતો. આ નિવેદનને ગંભીર ગણાવી ભાજપે તાત્કાલિક ચૂંટણી પંચનો સંપર્ક સાધ્યો છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ આ નિવેદનને લોકશાહી સંસ્થાઓ પરનો ખતરનાક હુમલો અને આચારસંહિતાનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવી ખડગે વિરુદ્ધ આકરા પગલાં લેવાની માંગ કરી છે.
બીજી તરફ, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે તમિલનાડુમાં ભારે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, લોકશાહી ઢબે ચૂંટાયેલા વડાપ્રધાન માટે આવા શબ્દોનો પ્રયોગ 1.4 અબજ ભારતીયોનું અપમાન છે. ભાજપે આ મામલે રાહુલ ગાંધી અને એમ.કે. સ્ટાલિન પાસે માફીની માંગણી કરી છે. ભાજપના મતે, કોંગ્રેસ અને ડીએમકે હારના ડરથી રાજકારણના નિમ્ન સ્તરે ઉતરી આવ્યા છે અને વડાપ્રધાનને નિશાન બનાવીને દેશની જનતાની ભાવનાઓ દુભાવી રહ્યા છે.
ચોતરફ ઘેરાતા મલ્લિકાર્જુન ખડગેએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, તેમના નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે તેમનો ઈશારો સરકાર દ્વારા CBI, ED અને આવકવેરા જેવી સંસ્થાઓના દુરુપયોગ તરફ હતો, જેના દ્વારા વિપક્ષી નેતાઓને ડરાવવામાં આવી રહ્યા છે. ખડગેના મતે, તેમણે વડાપ્રધાનને વ્યક્તિગત રીતે આતંકવાદી નથી કહ્યા, પરંતુ સરકારની 'ડરાવવાની નીતિ' સંદર્ભે વાત કરી હતી. જોકે, ભાજપ આ ખુલાસાથી સંતુષ્ટ નથી અને કાયદાકીય લડત ચાલુ રાખવાના મૂડમાં છે.
(11:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
