તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
ચૂંટણી પંચ દ્વારા ૧૭ રાજ્યોમાં મતદાર યાદીઓના વિશેષ સંશોધનનો મોટો નિર્ણય: વિવાદો વચ્ચે મતદાર યાદી શુદ્ધિકરણની કવાયત શરૂ!
દેશમાં ચાલી રહેલા SIR વિવાદ અને મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માગણીઓ વચ્ચે ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબ સહિત ૧૭ રાજ્યોમાં મતદાર યાદીઓના ખાસ સંશોધન (SSR) ની જાહેરાત કરી છે.

નવી દિલ્હી : ભારતીય રાજકારણમાં હાલ 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) ને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે અને વિપક્ષો દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માગણી પણ કરવામાં આવી રહી છે. આ ગરમાગરમી વચ્ચે ચૂંટણી પંચ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી પંચે દેશના ૧૭ મહત્વપૂર્ણ રાજ્યોમાં મતદાર યાદીઓના ખાસ સારાંશ સંશોધન (Special Summary Revision - SSR) ની જાહેરાત કરી છે અને આ અંગે સંબંધિત તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને સત્તાવાર સૂચનાઓ મોકલી આપવામાં આવી છે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આ આદેશ મુજબ, આગામી સમયમાં ચૂંટણીઓ યોજાવાની છે તેવા પાંચ મુખ્ય રાજ્યો—ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવા—નો પણ આમાં સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ આવતા વર્ષે ૨૨ મેના રોજ પૂર્ણ થઈ રહ્યો છે, જ્યારે મણિપુર, ગોવા, પંજાબ અને ઉત્તરાખંડની વિધાનસભાઓની મુદત પણ માર્ચ ૨૦૨૭માં અલગ-અલગ તારીખોએ સમાપ્ત થવાની છે. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૦ હેઠળ પંચને વિધાનસભાની મુદત પૂરી થવાના છ મહિના અગાઉ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવાની સત્તા મળે છે, જેને ધ્યાનમાં રાખીને આ કવાયત હાથ ધરી દેવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયા માટે ૧ જાન્યુઆરી, ૨૦૨૭ની તારીખને કટ-ઓફ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે.
આ વિશેષ સંશોધન (SSR) અને અગાઉના SIR વિવાદ વચ્ચે શું તફાવત છે તે વિશે સ્પષ્ટતા કરતા પંચે જણાવ્યું છે કે સામાન્ય સારાંશ સુધારણા મુખ્યત્વે નવા પાત્ર મતદારોના નામ ઉમેરવા અને સામાન્ય સુધારા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જ્યારે SIR એ એક વ્યાપક પ્રક્રિયા છે જેમાં ઘરે-ઘરે જઈને ચકાસણી અને મોટા પાયે ડેટા ઓડિટ સામેલ હોય છે. SSR હેઠળ જો કોઈ મતદારનું સરનામું બદલાયું હોય તો તેમણે ફોર્મ ભરીને અપડેટ કરવાનું રહે છે, જ્યારે SIR માં બૂથ-સ્તરના અધિકારીઓ જાતે સ્થળ પર જઈને ચકાસણી કરે છે.
બીજી બાજુ, આ સમગ્ર કવાયતને લઈને રાજકીય વર્તુળોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. વિરોધ પક્ષો અને વિવિધ સંગઠનો દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ પ્રક્રિયાથી લાયક નાગરિકોના નામ કમી થઈ શકે છે અને ખાસ કરીને સંવેદનશીલ જૂથો તથા શ્રમિકોને અસર થઈ શકે છે. જો કે, ચૂંટણી પંચનું સ્પષ્ટ માનવું છે કે આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાર યાદીઓનું શુદ્ધિકરણ કરવાનો, ડુપ્લિકેટ નામો હટાવવાનો અને દરેક પાત્ર નાગરિકને મતદાનનો હક અપાવવાનો છે. આ વિવાદ હાલ સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યો છે, ત્યારે આગામી સમયમાં ચૂંટણી પંચની આ કવાયત કેવા રંગ લાવે છે તે જોવું રહ્યું.
(8:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
