News of Saturday, 26th September 2026
ચૂંટણી પંચના આંતરિક વિવાદ પર મોટો વળાંક: ECIના 'સર્વસંમત સ્પષ્ટીકરણ'ને ચંદ્રબાબુ નાયડુએ આવકાર્યું; "બંધારણીય સંસ્થાઓ પરથી આશંકાના વાદળો હટ્યા"
NDAના ઘટક પક્ષો અને વિપક્ષના સવાલો વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે બે કમિશનરો સાથે મળી જારી કર્યું સ્પષ્ટ નિવેદન; મતદાર યાદી સુધારણા (SIR) સહિતના નિર્ણયો સર્વસંમતિથી લેવાયાની પુષ્ટિ

અમરાવતી : ભારતીય ચૂંટણી પંચ (ECI) ની કામગીરી અને નિર્ણય પ્રક્રિયાને લઈને ચાલી રહેલા તીવ્ર રાજકીય ઘમાસાણ વચ્ચે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને TDP વડા એન. ચંદ્રબાબુ નાયડુનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા "સર્વસંમત" સ્પષ્ટીકરણનું સ્વાગત કરતા ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર તથા ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીના સામૂહિક નિવેદને આપણી બંધારણીય સંસ્થાઓની અખંડિતતા અને વિશ્વસનીયતા પર ફરી એકવાર મોહર લગાવી દીધી છે.
આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો હતો જ્યારે 'ધ ઈન્ડિયન એક્સપ્રેસ'ના એક તપાસ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ છેલ્લા 10 મહિનામાં પંચના નામે લેવાયેલા નિર્ણયો સામે ઓછામાં ઓછી 14 વખત લેખિત વાંધો નોંધાવ્યો હતો. આ અહેવાલ બહાર આવતા જ કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ ભારે હંગામો મચાવીને મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ કરી હતી. વિપક્ષ ઉપરાંત NDAના સાથી પક્ષો જેવા કે ચિરાગ પાસવાનની LJP (RV), ઉપેન્દ્ર કુશવાહા અને TDPએ પણ ચૂંટણી પંચ પાસે પારદર્શિતા અને સત્તાવાર સ્પષ્ટતાની માંગ કરી હતી.
ચોતરફથી ઘેરાયેલા ચૂંટણી પંચે શનિવારે સત્તાવાર નિવેદન જારી કરીને પુનરોચ્ચાર કર્યો હતો કે મતદાર યાદીની 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) સહિતના તમામ મહત્વપૂર્ણ નિર્ણયો કોઈ એક વ્યક્તિ દ્વારા નહીં પરંતુ સંપૂર્ણ પંચ દ્વારા સર્વસંમતિથી જ લેવામાં આવ્યા હતા. પંચે સ્પષ્ટ કર્યું કે કેબિનેટ સચિવને લખાયેલા પત્રો કોઈ વિવાદ કે નીતિગત ગેરસમજણ અંગે નહોતા.
ચૂંટણી પંચના આ ખુલાસા બાદ ચંદ્રબાબુ નાયડુએ 'ટૂંકા ગાળાના રાજકીય લાભ' ખાતર દેશના લોકશાહી માળખા અને ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઉઠાવનારાઓની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે ચૂંટણી પંચમાં જનતાનો વિશ્વાસ જાળવી રાખવો એ તમામ રાજકીય પક્ષોની સામૂહિક જવાબદારી છે. ચૂંટણી પંચના આ સ્પષ્ટીકરણે તમામ ભ્રમ અને ગેરસમજો દૂર કરી દીધી છે.
(10:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
