<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

ચૂંટણી પંચની 'સર્જિકલ સ્ટ્રાઈક': બંગાળ અને તમિલનાડુમાં ₹1,000 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

વોટ માટેની લાલચ પર ત્રાટકેલી તપાસ ટીમો: પશ્ચિમ બંગાળમાં દારૂની નદીઓ પકડાઈ તો તમિલનાડુમાં રોકડનો પહાડ મળ્યો: આચારસંહિતાના કડક અમલ વચ્ચે 5,000 થી વધુ ફ્લાઈંગ સ્ક્વોડ મેદાનમાં

નવી દિલ્હી:  ભારતના લોકશાહીના મહાપર્વ પૂર્વે ચૂંટણી પંચે (EC) પ્રલોભનો સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં આચારસંહિતા લાગુ થયા બાદ અત્યાર સુધીમાં ₹1072.13 કરોડ ની કિંમતની રોકડ, દારૂ, ડ્રગ્સ અને ભેટ-સોગાદો જપ્ત કરવામાં આવી છે. ૧૫ માર્ચથી શરૂ થયેલી આ ઝુંબેશમાં ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈપણ કિંમતે ન્યાયી અને પારદર્શક ચૂંટણી યોજવા કટિબદ્ધ છે. આટલી મોટી રકમની જપ્તી દર્શાવે છે કે ચૂંટણી જીતવા માટે કઈ હદ સુધીના ખર્ચની તૈયારી કરવામાં આવી હતી.

રાજ્યવાર આંકડાઓ પર નજર કરીએ તો, તમિલનાડુ ₹599.24 કરોડ ની જપ્તી સાથે મોખરે છે, જ્યાં સૌથી વધુ ₹100.19 કરોડની રોકડ પકડાઈ છે. બીજી તરફ, પશ્ચિમ બંગાળમાં ₹472.89 કરોડ ની કિંમતની વસ્તુઓ જપ્ત થઈ છે, જેમાં આશ્ચર્યજનક રીતે 39 લાખ લિટરથી વધુ દારૂ (કિંમત ₹102 કરોડ) ઝડપાયો છે. આ કામગીરી માટે પંચે 5,011 ફ્લાઈંગ સ્ક્વોડ ટીમો (FST) તૈનાત કરી છે, જેમને કોઈપણ ફરિયાદ મળે તેના માત્ર ૧૦૦ મિનિટની અંદર ઘટનાસ્થળે પહોંચી એક્શન લેવાનો આદેશ અપાયો છે. આ વખતે 'ચૂંટણી જપ્તી વ્યવસ્થાપન પ્રણાલી' (ESMS) દ્વારા દરેક જપ્તીનું રીઅલ-ટાઇમ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

ચૂંટણી પંચે સામાન્ય જનતાને આશ્વાસન આપ્યું છે કે તપાસ દરમિયાન સામાન્ય નાગરિકોને કોઈ હેરાનગતિ થવી જોઈએ નહીં. જો કોઈને અન્યાય લાગે, તો દરેક જિલ્લામાં 'ફરિયાદ નિવારણ સમિતિ' બનાવવામાં આવી છે. આ ઉપરાંત, નાગરિકો પોતે પણ C-Vigil એપ દ્વારા આચારસંહિતાના ભંગની ગુપ્ત રીતે જાણ કરી શકે છે. ડ્રગ્સ અને કિંમતી ધાતુઓની જપ્તીમાં પણ આ વખતે મોટો ઉછાળો જોવા મળ્યો છે, જે સૂચવે છે કે ચૂંટણી પંચની બાજ નજર આ વખતે ગેરકાયદેસર વ્યવહારોના તમામ રસ્તાઓ પર છે.

(6:48 PM IST)