News of Friday, 1st May 2026
ચૂંટણી પતી ને મોંઘવારીની લૂંટ શરૂ! રાહુલ ગાંધીનો કેન્દ્ર પર આકરો પ્રહાર: "૩ મહિનામાં કોમર્શિયલ સિલિન્ડરમાં ૮૧% નો તોતિંગ વધારો"
એક જ દિવસમાં ગેસ સિલિન્ડરના ભાવમાં ૯૯૩ રૂપિયાનો જંગી ઉછાળો; ચાની કિટલીથી લઈને બેકરી અને હોટલ માલિકોના બજેટ ખોરવાયા - રાહુલ ગાંધીની ચેતવણી.

નવી દિલ્હી: તા.૦૧: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વધતી જતી મોંઘવારી મુદ્દે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી છે. ખાસ કરીને કોમર્શિયલ એલપીજી (LPG) સિલિન્ડરના ભાવમાં થયેલા અચાનક અને તોતિંગ વધારાને લઈને તેમણે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે માત્ર એક જ દિવસમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ૯૯૩ રૂપિયાનો ધરખમ વધારો ઝીંકવામાં આવ્યો છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો સિંગલ-ડે ઉછાળો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ દ્વારા રાહુલ ગાંધીએ પોતાની જૂની ચેતવણી યાદ અપાવતા કહ્યું કે, મેં પહેલા જ કહ્યું હતું કે ચૂંટણી પત્યા બાદ મોંઘવારીનો માર જનતા પર પડશે. તેમણે આંકડા ટાંકીને જણાવ્યું કે ફેબ્રુઆરી મહિનાથી અત્યાર સુધીમાં ગેસના ભાવમાં કુલ ૧,૩૮૦ રૂપિયાનો વધારો થયો છે, જે છેલ્લા ત્રણ મહિનામાં અંદાજે ૮૧% જેટલો તોતિંગ વધારો સૂચવે છે. તેમણે આ વધારાને 'ચૂંટણીનું બિલ' ગણાવ્યું હતું.
રાહુલ ગાંધીએ ચિંતા વ્યક્ત કરી હતી કે આ વધારાની સીધી અસર નાના વેપારીઓ અને સામાન્ય જનતાની થાળી પર પડશે. તેમણે કહ્યું કે, "ચાની કિટલી, ઢાબા, હોટલ, બેકરી અને મીઠાઈની દુકાનો – દરેકના રસોડા પર બોજ વધ્યો છે. ગેસ બાદ હવે આગામી પ્રહાર પેટ્રોલ અને ડીઝલ પર થઈ શકે છે." તેમના મતે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ સસ્તું હતું ત્યારે મોદી સરકારે નફો ખિસ્સામાં રાખ્યો અને હવે જ્યારે મોંઘું થયું છે ત્યારે તેનો બોજ સામાન્ય જનતા પર નાખવામાં આવી રહ્યો છે.
આ અગાઉ પણ રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળ, અસામ અને કેરળ જેવા રાજ્યોમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધવાની આગાહી કરી હતી. તેમણે કટાક્ષ કરતા ઉમેર્યું કે, "ચૂંટણીની રાહત પૂરી થઈ ગઈ છે અને હવે મોંઘવારીનો તાપ શરૂ થયો છે. જે સરકાર સસ્તા સમયે લૂંટ કરે છે, તે જનતાને મોંઘવારીના ખપ્પરમાં હોમી રહી છે." આ નિવેદન બાદ ફરી એકવાર દેશમાં મોંઘવારીના મુદ્દે રાજકારણ ગરમાયું છે.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
