તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રક્રિયા વેગવંતી: બે મહિનામાં ૨૦ લાખથી વધુ નવા ફોર્મ જમા થયા, ૧૬ નવેમ્બરે જાહેર થશે અંતિમ યાદી
રાજ્યભરમાં મતદાર યાદી સુધારણા અને વિશેષ ઝુંબેશ અંતર્ગત નાગરિકો દ્વારા ઉત્સાહભેર નોંધણી, સુધારા અને વાંધા અરજીઓ દાખલ કરાઈ.

મુંબઈ, તા.29: મહારાષ્ટ્રમાં આગામી ચૂંટણીઓની તૈયારીઓ સંદર્ભે ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી વિશેષ મતદાર યાદી સુધારણા ઝુંબેશને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે. રાજ્યના તમામ ૩૬ જિલ્લાઓમાં ગત ૩૧ ઓગસ્ટથી ૨૬ ઓક્ટોબર દરમિયાન નાગરિકો દ્વારા નવી નોંધણી, વિગતોમાં સુધારા અને વાંધા અરજીઓ માટે કુલ ૧૯,૬૦,૨૫૮ જેટલા ફોર્મ સત્તાવાર રીતે જમા કરાવવામાં આવ્યા હોવાની માહિતી ચૂંટણી અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) ની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગત ૩૧ ઓગસ્ટે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત કરવામાં આવી હતી, જેમાં અંદાજે ૨.૦૬ કરોડથી વધુ મતદારોને બાકાત રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ ચૂંટણી પંચ દ્વારા નાગરિકોને દાવા અને વાંધા દાખલ કરવા માટે પૂરતી તક આપવામાં આવી હતી અને આ પ્રક્રિયાની સમયમર્યાદા ૨૬ ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી હતી, જેના પરિણામે લાખોની સંખ્યામાં ફોર્મ ભરાયા છે.
ચૂંટણી પંચના સત્તાવાર ડેટા મુજબ, આ કુલ અરજીઓમાં નવા મતદાર બનવા માટેના 'ફોર્મ ૬' ની ૧૨,૭૦,૮૯૮ અરજીઓ, સરનામા કે વિગતો બદલવા માટેના 'ફોર્મ ૮' ની ૬,૨૧,૨૭૭ અરજીઓ તથા નામ કમી કરવા કે વાંધો ઉઠાવવા માટેના 'ફોર્મ ૭' ની ૬૮,૦૮૩ વિનંતીઓ સામેલ છે. જિલ્લાવાળ આંકડાઓ પર નજર કરીએ તો મુંબઈ સબર્બનમાં સૌથી વધુ ૧,૪૯,૮૫૦ ફોર્મ નોંધાયા હતા, જ્યારે પુણેમાં ૧,૩૫,૬૪૬ અને થાણેમાં ૧,૩૫,૧૫૦ ફોર્મ ભરાયા હતા.
અગાઉ આ વ્યાપક પ્રક્રિયા પહેલા મહારાષ્ટ્રમાં કુલ ૯ કરોડ ૭૮ લાખથી વધુ મતદારો નોંધાયેલા હતા, પરંતુ ડ્રાફ્ટ યાદી બાદ તે ઘટીને ૭ કરોડ ૭૧ લાખની આસપાસ પહોંચ્યા હતા. મૃત્યુ પામેલા, સ્થળાંતર કરનાર કે ભાળ ન મળેલા નાગરિકોના નામ કમી થવાથી સર્જાયેલી આ ખાલી જગ્યાને ભરવા માટે નાગરિકોમાં ભારે જાગૃતિ જોવા મળી રહી છે.
ચૂંટણી પંચ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પ્રાપ્ત થયેલી આ તમામ અરજીઓ અને નોટિસોની ચકાસણી તથા પ્રક્રિયા આગામી ૧૦ નવેમ્બર સુધીમાં ફરજિયાતપણે પૂર્ણ કરી દેવામાં આવશે, જેથી પારદર્શક વ્યવસ્થા સુનિશ્ચિત થઈ શકે.
આ સમગ્ર પ્રક્રિયાના અંતિમ ચરણરૂપે મહારાષ્ટ્રની અપડેટ કરાયેલી અંતિમ મતદાર યાદી આગામી ૧૬ નવેમ્બર, ૨૦૨૬ ના રોજ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે, જે આગામી ચૂંટણીઓ માટેનો મુખ્ય આધાર બનશે.
(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
