તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી :ગુજરાતમાં ભાજપ માટે “જીત” કરતાં વધુ “યોગ્ય ચહેરા'ની પસંદગીની ઘડી :કોંગ્રેસ માટે “સંઘર્ષ અને અસ્તિત્વ”ની લડાઈ
રાજ્યસભાની એક બેઠક જીતવા માટે જરૂરી મતસંખ્યા સુધી પહોંચવું કોંગ્રેસ માટે લગભગ અશક્ય

અમદાવાદ :આવનારા દિવસોમાં યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માત્ર ચાર બેઠકો માટેની ઔપચારિક પ્રક્રિયા નથી, પરંતુ ગુજરાતની રાજનીતિમાં શક્તિ, પ્રતિષ્ઠા અને રાજકીય ભવિ્યની દિશા નક્કી કરનાર અગત્યની કસોટી બની રહેશે,ગુજરાતમાંથી ખાલી થતી ચાર રાજ્યસભાની બેઠકો પર મુખ્ય મુકાબલો ભારતીય જનતા પાર્ટી અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ વચ્ચે જોવા મળશે. પરંતુ ગુજરાત વિધાનસભાની અંદર બીજેપીના વિજયી ઉમેદવારોનું સંખ્યાબળની સ્થિતિ જોતા કોંગ્રેસ માટે આ ચૂંટણી અતિ મુશ્કેલ બની રહી છે.
ગુજરાત વિધાનસભામાં હાલમાં ભાજપ પાસે સ્પષ્ટ અને મજબૂત બહુમતી છે. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા છેલ્લા કેટલાંક વર્ષોમાં સતત ઘટી છે. પક્ષ છોડીને અન્ય પાર્ટીમાં જોડાવા, આંતરિક અસંતોષ અને ચૂંટણીમાં થયેલા પરાજયના કારણે કોંગ્રેસનું સંગઠન નબળું પડ્યું છે. આવી સ્થિતિમાં રાજ્યસભાની એક બેઠક જીતવા માટે જરૂરી મતસંખ્યા સુધી પહોંચવું કોંગ્રેસ માટે લગભગ અશક્ય જેવું બની ગયું છે. રાજકીય વિશ્લેષકો માને છે કે કોંગ્રેસ પાસે પૂરતા ધારાસભ્યો ન હોવાથી તે સ્વતંત્ર રીતે પોતાની ઉમેદવારી જીતાડવાની સ્થિતિમાં નથી.
રાજ્યસભાની ચૂંટણીમાં સીધી જનતા મતદાન કરતી નથી, પરંતુ ધારાસભ્યો દ્વારા “સિંગલ ટ્રાન્સફરેબલ વોટ” પદ્ધતિથી મતદાન થાય છે. એટલે વિધાનસભામાં જે પક્ષ પાસે વધુ સંખ્યાબળ હોય તે પક્ષને સ્પષ્ટ લાભ મળે છે. ગુજરાતમાં ભાજપની સંખ્યા એટલી મજબૂત છે કે ચારેય બેઠકો જીતવાનો માર્ગ તેના માટે સરળ બની શકે છે.
પરંતુ અહીં મહત્વનો પ્રશ્ન માત્ર જીતનો નથી. સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભાજપ કોને રાજ્યસભામાં મોકલે? કારણ કે રાજ્યસભા હવે માત્ર “રાજકીય સમાધાન” માટેનું મંચ નથી રહ્યું. કેન્દ્રમાં ભાજપની વધતી શક્તિ અને રાષ્ટ્રીય સ્તરે તેની નીતિઓને ધ્યાનમાં રાખતા પાર્ટીને એવા નેતાઓની જરૂર છે જે માત્ર પક્ષનિષ્ઠ જ નહીં પરંતુ બૌદ્ધિક, વહીવટી અને રાષ્ટ્રીય દ્રષ્ટિ ધરાવતા હોય.
ગુજરાત હંમેશા રાષ્ટ્રીય રાજકારણમાં પ્રભાવશાળી રાજ્ય રહ્યું છે. કેન્દ્રમાં જ્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા નેતાઓએ ગુજરાતમાંથી જ પોતાની રાજકીય યાત્રાને રાષ્ટ્રીય ઊંચાઈ આપી છે. તેથી હવે રાજ્યસભા માટેના ઉમેદવારો પસંદ કરતી વખતે ભાજપ માટે આ ચૂંટણી “વિશ્વાસની રાજનીતિ” પણ બનશે.કારણ કે હવે બીજેપી આવનારી ચૂંટણીમાં શું યુવાનોને તક આપે છે..? શું મહિલાઓને પ્રતિનિધિત્વ આપે છે? શું ઓબીસી, આદિવાસી અથવા શિક્ષિત વ્યાવસાયિકોને આગળ લાવે છે? આવા પ્રશ્નો મહત્વના બની રહ્યા છે.એટલે થોભો અને રાહ જુઓ
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
